નેશનલ

ઝિમ્બાબ્વેમાં કોલેરાથી ૧૦૦ લોકોનાં મોત

અંતિમસંસ્કારમાં ૫૦થી વધુ લોકોને મનાઇ, સામાજિક મેળાવડા પર પ્રતિબંધ

હરારે: ઝિમ્બાબ્વેમાં છેલ્લા એક મહિનાથી કોલેરાથી ૧૦૦ શંકાસ્પદ મૃત્યુ અને ૫૦૦૦થી વધુ કેસો નોંધાયા હોવાના અહેવાલો છે. પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારને રોગના ફેલાવાને રોકવા માટે અંતિમ સંસ્કારમાં મર્યાદિત સંખ્યા અને સામાજિક મેળાવડાને રોકવા સહિતના પ્રતિબંધો લાદવાની ફરજ પડી છે.

આરોગ્ય મંત્રાલયે બુધવારે મોડી રાત્રે મૃત્યુઆંકની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે લેબોરેટરી પરીક્ષણો દ્વારા કોલેરાથી ૩૦ મૃત્યુની પુષ્ટિ થઇ છે અને અન્ય ૯૦૫ પુષ્ટિ થયેલા કેસો નોંધવામાં આવ્યા હતા. તેમજ અન્ય ૪,૬૦૯ શંકાસ્પદ કેસો નોંધાયા હતા. કોલેરા પાણીજન્ય રોગ છે. જે ગંદકીવાળા વિસ્તારોમાં ઝડપથી ફેલાઇ શકે છે અને દૂષિત પાણી અથવા ખોરાકના સેવનથી થાય છે.

નોંધનીય છે કે ઝિમ્બાબ્વે સ્વચ્છ પાણી માટે સંઘર્ષ કરી રહ્યું છે. અંતિમ સંસ્કારમાં મોટા મેળાવડા દક્ષિણ આફ્રિકાના દેશોમાં સામાન્ય છે. મેનિકલેન્ડ અને માસવિન્ગો પ્રાંતના ભાગોમાં કેટલાક સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ૫૦થી વધુ લોકોને અંતિમ સંસ્કારમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક ગરીબ દક્ષિણપૂર્વીય જિલ્લો બુહેરા વર્તમાન રોગચાળાનું મુખ્ય કેન્દ્ર છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રાજધાની હરારે સહિત દેશના વિવિધ ભાગોના ૪૧ જિલ્લાઓમાં રોગચાળો ફેલાયો છે. ઝિમ્બાબ્વેમાં નબળું સ્વચ્છતા માળખું અને સ્વચ્છ પાણીની અછતને કારણે નિયમિત પાણીજન્ય રોગ ફાટી નીકળે છે. ઝિમ્બાબ્વેમાં વાંરવાર કોલેરાના રોગચાળા દરમિયાન પ્રતિબંધો લાદવામાં આવે છે. ૨૦૦૮માં ઝિમ્બાબ્વેમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળતા ૪,૦૦૦થી વધુના મોત થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button