મંદિરના ચઢાવા પર ૧૦ ટકા ટૅક્સ: કર્ણાટકની કૉંગ્રેસ સરકારના નિર્ણય મુદ્દે હોબાળો
બેંગલૂરુ: કર્ણાટક સરકારે બુધવારે વિધાનસભામાં કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (સુધારા) બિલ પસાર કર્યું. આજે આ બિલ વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે, જ્યાં ભાજપ અને જેડી(એસ) બહુમતીમાં છે. આ બિલમાં જણાવવામાં આવ્યું છે કે જે મંદિરોની આવક એક કરોડ રૂપિયાથી વધુ છે તેમની આવક પર સરકાર ૧૦ ટકા ટેક્સ વસૂલશે. આને લઈને વિપક્ષી પાર્ટી ભાજપ રાજ્યની સિદ્ધારમૈયા સરકાર પર સતત પ્રહારો કરી
રહી છે.
ભાજપે આક્ષેપ કર્યો છે કે કર્ણાટકની સિદ્ધરામૈયા સરકાર હિંદુ વિરોધી નીતિઓ અપનાવી રહી છે અને એમાં હિંસા, છેતરપિંડી અને ભંડોળના દુરુપયોગનો ભય છે. જોકે, રાજ્ય સરકારે ભાજપના આવા આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે ૧૦ ટકા ટેક્સ ફક્ત રૂ. એક કરોડથી વધુ આવક ધરાવતા મંદિરો પાસેથી જ લેવામાં આવશે.
સરકારે દાવો કર્યો છે કે આ રીતે ભેગા કરવામાં આવેલા નાણાનો ઉપયોગ પૂજારીઓની આર્થિક સ્થિતિ સુધારવા અને સી-ગ્રેડના તેમ જ ર્જીણશીર્ણ અવસ્થામાં રહેલા મંદિરોને સુધારવા માટે તેમ જ પૂજારીઓના બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવા માટે કરવામાં આવશે.
ભાજપે આરોપ લગાવ્યો છે કે સરકાર સતત હિંદુ વિરોધી નીતિઓ અપનાવી રહી છે અને હવે તેની નજર હિંદુ મંદિરોની આવક પર છે. બીજેપી રાજ્ય એકમના અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં સરકારના આવા નિર્ણય બદલ સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે સરકારે તેની ખાલી તિજોરી ભરવા માટે હિંદુ રિલિજિયસ એન્ડોમેન્ટ્સ એમેન્ડમેન્ટ એક્ટ દ્વારા, હિંદુ મંદિરો અને ધાર્મિક સંસ્થાઓના દાન તેમજ ચઢાવાને હડપ કરવાનો પ્રયાસ કરી
રહી છે.
વિજયેન્દ્રએ સવાલ કર્યો હતો કે માત્ર હિન્દુ મંદિરોને જ શા માટે નિશાન બનાવવામાં આવે છે એવો પ્રશ્ર્ન લાખો ભક્તો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. ભાજપે આરોપ લગાવ્યો કે આ પૈસા લોકોની દૈવી આસ્થાના છે. ભાજપે કહ્યું કે કરોડો શ્રદ્ધાળુઓનો પ્રશ્ર્ન છે કે સરકાર માત્ર હિન્દુ મંદિરો પર જ કેમ નજર રાખી રહી છે? અન્ય ધર્મોની આવક પર કેમ નહીં? ભાજપે કહ્યું કે કૉંગ્રેસ સરકારે ભક્તોના હિસ્સાના પૈસા પડાવી લેવાને બદલે મંદિરો ચલાવવામાં મદદ કરવી જોઈએ.
જોકે, આ અંગે વાત કરતા રાજ્ય સરકારના એક નેતાએ જણાવ્યું હતું કે પૈસાનો ઉપયોગ પૂજારીના પરિવાર, મંદિરના નવીનીકરણ, પૂજારીઓના બાળકોના શિક્ષણ જેવા સારા કામમાં કરવામાં આવશે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપે પણ તેના કાર્યકાળમાં આવું જ કર્યું હતું. ભાજપે પાંચ લાખથી ૨૫ લાખ રૂપિયાની વચ્ચેની આવક ધરાવતા મંદિરો પાસેથી પાંચ ટકા ટેક્સ પેઠે વસુલ્યા હતા. અમે દસ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા મંદિરોને ટેક્સમાંથી મુક્તિ આપી છે. અને અમે જે ૧૦ ટકા ટેક્સ લેવાના છીએ તેનો ઉપયોગ બીજા કોઇ વિભાગ માટે નહીં કરવામાં આવે, પરંતુ ફક્ત ધાર્મિક પરિષદના કામ માટે જ થશે. જો ટેક્સની રકમ ધાર્મિક પરિષદ સુધી પહોંચે તો અમે પૂજારીઓને પણ વીમા કવચ આપી શકીએ. અમે ઇચ્છીએ છીએ કે જો તેમને કંઇ થાય તો તેમના પરિવારને ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયા મળવા જોઇએ. પણ વીમા કવચના પ્રીમિયમ ભરવા માટે અમને સાત થી આઠ કરોડ રૂપિયાની જરૂર છે.
એક અંદાજ મુજબ કર્ણાટકમાં ૩૫ હજારથી વધુ મંદિરો છે, જેમાંથી ૨૦૫ મંદિરોની વાર્ષિક આવક ૨૫ લાખ રૂપિયાથી વધુ છે, તેમને એ ગ્રૂપમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે ૧૯૩ મંદિરોની આવક પાંચથી ૨૫ લાખ રૂપિયાની વચ્ચે છે અને તેમને બી ગ્રૂપમાં મૂકવામાં આવ્યા છે અને લગભગ ૩૪ હજાર મંદિરોની આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી છે. તેમને સી ગ્રૂપમાં મૂકવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં એ ગ્રૂપના મંદિરોએ તેમના કલેક્શનમાંથી થતી આવકના ૧૦ ટકા અને બી-ગ્રૂપના મંદિરોએ તેમના કલેક્શનમાંથી થતી આવકના પાંચ ટકાનો ફંડમાં ફાળો આપ્યો છે.
મંદિરોમાંથી ટેક્સ વસૂલવાની પ્રથા કે કાયદો નવો નથી. રાજ્યમાં ૨૦૦૧થી હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને એન્ડોમેન્ટ્સ કાયદો છે. સિદ્ધારમૈયા સરકારે તેમાં માત્ર એક સુધારો કર્યો છે. સુધારેલા કાયદા હેઠળ, જે મંદિરોની વાર્ષિક આવક રૂ. એક કરોડથી વધુ છે તેમણે તેમની આવકના ૧૦ ટકા કોમન પૂલ ફંડમાં ફાળો આપવો પડશે. તેવી જ રીતે, ૧૦ લાખથી એક કરોડ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા મંદિરોએ તેમની આવકના પાંચ ટકાનો ફાળો આપવો પડશે.