મધ્ય પ્રદેશમાં બે અલગ અલગ અકસ્માતમાં 10 જણનાં મોતઃ 21 ઈજાગ્રસ્ત

ભિંડ/રીવાઃ મધ્ય પ્રદેશમાં બે અલગ અલગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા જ્યારે 21 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એક રિપોર્ટ અનુસાર, મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં આજે સવારે એક ટ્રકે વાનને ટક્કર મારતા ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. જ્યારે બીજો અકસ્માત રીવા જિલ્લામાં સર્જાયો હતો. એક ટ્રકે બે બાઇકને ટક્કર મારી હતી જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો.
ભિંડ જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી) અસિત યાદવે જણાવ્યું હતું કે આ અકસ્માત જવાહરપુરા ગામ નજીક સવારે 5 વાગ્યાની આસપાસ બન્યો હતો. ઘટના સમયે કેટલાક લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક લોકો વાહનમાં બેઠા હતા જ્યારે કેટલાક રસ્તા પર ઉભા હતા, ત્યારે એક ઝડપી ટ્રકે આ લોકો અને તેમના વાહનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોના બાદમાં મોત થયા હતા.
ભિંડ જિલ્લા મેજિસ્ટ્રેટ સંજીવ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા છે અને 20 અન્ય ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલોમાંથી 12 લોકોને સારવાર માટે ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકોની ભિંડ જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.તેમણે કહ્યું કે ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ રસ્તો રોકી દીધો હતો.
આ પણ વાંચો…પ્રયાગરાજ બાદ અયોધ્યામાં ‘બાઇકર્સ ગેંગ’ની લૂંટ: 30 મોટરસાઈકલ જપ્ત
રીવા જિલ્લામાં સર્જાયેલા અકસ્માતને લઇને ઘટનાના સાક્ષીઓએ દાવો કર્યો હતો કે પીડિતો બે મોટરસાઇકલ પર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક ટ્રકે તેમને ટક્કર મારી હતી જ્યારે પોલીસે શરૂઆતમાં કહ્યું હતું કે અકસ્માતમાં એક મોટરસાઇકલ સામેલ હતી.
ચુરહાટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આશિષ મિશ્રાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે શું પીડિતો બે મોટરસાઇકલ પર હતા. મળતી માહિતી મુજબ, એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. મિશ્રાએ જણાવ્યું હતું કે, અન્ય એક વ્યક્તિને ઇજાઓ થઈ છે અને તે રીવાની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત બાદ ગ્રામજનો અને પરિવારના સભ્યોએ રસ્તો બ્લોક કરી દીધો હતો.