નેશનલ

રાજ્યસભાની ૧૫માંથી ૧૦ બેઠક ભાજપને

મોટા પાયે ક્રૉસ વૉટિંગ: યુપીમાં આઠ, હિમાચલમાં એક, કર્ણાટકની એક બેઠક પર ભાજપનો વિજય

નવી દિલ્હી: રાજ્યસભાની મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં ત્રણે રાજ્ય – ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં મોટા પાયે ‘ક્રૉસ-વૉટિંગ’ થયું હતું. ભાજપે ઉત્તર પ્રદેશમાં આઠ, કર્ણાટકમાં એક અને હિમાચલ પ્રદેશમાં એક બેઠક જીતી હતી એટલે ત્રણ રાજ્યમાંની રાજ્યસભાની ૧૫ બેઠકમાંથી ૧૦ બેઠક ભાજપે કબજે કરી હતી.

કર્ણાટકમાં કૉંગ્રેસના ત્રણ ઉમેદવાર વિજયી થયા હતા, જ્યારે હિમાચલ પ્રદેશમાં રસાકસીભરી બનેલી ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર જીત્યો હતો.

ઉત્તર પ્રદેશની દસ બેઠકમાંથી બે બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર વિજયી જાહેર કરાયા હતા.

ઉત્તર પ્રદેશમાં વિપક્ષના આઠ વિધાનસભ્યે ‘ક્રૉસ-વૉટિંગ’ કરીને ભાજપના ઉમેદવારોને જિતાડવામાં ‘યોગદાન’ આપ્યું હતું.

હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસમાંથી અને કર્ણાટકમાં ભાજપમાંથી ‘ક્રૉસ-વૉટિંગ’ થતાં પરિણામ બદલાઇ ગયાં હતાં અને વિરોધ પક્ષના ઉમેદવાર જીત્યા હતા. ઉત્તર પ્રદેશની દસ, કર્ણાટકની ચાર અને
હિમાચલ પ્રદેશની એક મળીને રાજ્યસભાની કુલ ૧૫ બેઠક માટે મતદાન થયું હતું.

હિમાચલ પ્રદેશમાં ‘ક્રૉસ-વૉટિંગ’ને લીધે કૉંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી હારી ગયા હતા. કૉંગ્રેસના છ વિધાનસભ્યે ‘ક્રૉસ-વૉટિંગ’ કરીને ભાજપના ઉમેદવારને જિતાડ્યો હતો.

કર્ણાટકમાં કૉંગ્રેસે ત્રણ બેઠક અને ભાજપે એક બેઠક જીતી હતી. કૉંગ્રેસના અજય માકન, જી. સી. ચંદ્રશેખર અને સૈયદ નાસીર હુસેન, જ્યારે ભાજપના નારાયણસા કે. ભાંડગે રાજ્યસભામાં ચૂંટાયા હતા.

કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીમાં ‘ક્રૉસ-વૉટિંગ’ થયું હતું. ભાજપના વિધાનસભ્ય એસ. ટી. સોમશેખરે કૉંગ્રેસના ઉમેદવાર અજય માકનને મત આપ્યો હતો, જ્યારે અન્ય વિધાનસભ્ય એ. શિવરામ હેબ્બર મતદાન વખતે ગેરહાજર રહ્યા હતા.

કર્ણાટકના ભાજપ એકમે રાજ્યસભાની ચૂંટણીમાં ‘ક્રૉસ-વૉટિંગ’ કરનારા પોતાના પક્ષના વિધાનસભ્યને બરતરફ કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને તેના સંબંધમાં સ્પીકરને ફરિયાદ કરી હતી કે અમે પક્ષના ઉમેદવારને જ મત આપવાનો આદેશ આપ્યો હોવા છતાં તેનો અમલ નહિ કરનારા વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવા જોઇએ.

જનતા દળ (એસ)ના ડી. કુપેન્દ્ર રેડ્ડીનો પરાજય થયો હતો. કર્ણાટકમાંના રાજ્યસભાની ચાર બેઠક પરથી પાંચ ઉમેદવાર ચૂંટણી લડી હતી.

હિમાચલ પ્રદેશમાં ભાજપના હર્ષ મહાજનનો વિજય થયો હતો. તેમને ટેકેદારોએ ખભા પર ઊંચકી લીધા હતા અને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. પ્રારંભમાં ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારોને સરખા (૩૪-૩૪) મત મળ્યા હતા અને બાદમાં ટૉસ થતાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનને વિજેતા જાહેર કરાયા હતા.

હિમાચલ પ્રદેશમાં સત્તાધારી પક્ષે આક્ષેપ કર્યો હતો કે અમારા પાંચથી છ વિધાનસભ્યને હરિયાણા પોલીસ અને કેન્દ્રીય અનામત દળની પોલીસ ઉપાડી ગઇ હતી. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?