ઉત્તર પ્રદેશના બુલંદશહેર ભીષણ માર્ગ અકસ્માતમાં 10 ના મોત
બુલંદશહેર: બુલંદશહેરના સલેમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ અને મેક્સ ગાડી વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. ગ્રામજનોની મદદથી પોલીસે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકો રસ્તા પર એકઠા થઈ ગયા હતા જેના કારણે વાહનોની અવરજવર રોકાઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, તમામ લોકો ગાઝિયાબાદની એક કંપનીમાંથી મેક્સ ગાડી લઈને રક્ષાબંધનનો તહેવાર મનાવવા અલીગઢ સ્થિત પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે ઘરે પહોંચે તે પહેલા બુલંદશહરના સલેમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લકઝરી બસ અને મેક્સ ગાડી વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જ્યારે બંને વાહનો સામસામે અથડાયા હતા ત્યારે ચારેબાજુ ચીસાચીસ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે અકસ્માતમાં 10 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્ર પ્રકાશ સિંહે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે રવિવારે મેક્સ પિકઅપ વાન અને ખાનગી બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. તેમણે કહ્યું કે મેક્સ પિકઅપ વાન ગાઝિયાબાદથી સંભલ તરફ જઈ રહી હતી ત્યારે સલેમપુર પોલીસ સ્ટેશન પાસે અકસ્માત થયો હતો. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં કુલ 37 મુસાફરો ઘાયલ થયા હતા જેમાં 10 લોકોના મોત થયા હતા. હાલ ઘાયલ થયેલા 27 લોકોની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જિલ્લા મેજીસ્ટ્રેટે કહ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે સંજ્ઞાન લીધું છે અને અન્ય અધિકારીઓને ઘાયલોની સારવાર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બદાયુ-મેરઠ નેશનલ હાઇવે પર ગાજિયાબાદ તરફ જઈ રહેલી મેક્સ પિકઅપ વેન સામેથી આવી રહેલી ખાનગી બસથી અથડાઇ હતી.