આ રાજ્યમાં સરકારે શંકાસ્પદ વિદેશીઓને આપ્યું 10 દિવસનું અલ્ટીમેટમ, નહીં તો થશે દેશનિકાલ

ગુવાહાટી: અસમની હિંમત બિસ્વા શર્મા સરકારે શંકાસ્પદ વિદેશીઓને તેમની નાગરિકતા સાબિત કરવા માટેનું અલ્ટિમેટમ આપી દીધું છે. અસમ કેબિનેટે અપ્રવાસી (આસામમાંથી દેશનિકાલ) અધિનિયમ, 1950 હેઠળ વિદેશીઓને દેશનિકાલ કરવા માટેની એક પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયા (SOP) ને મંજૂરી આપી છે. આ પ્રક્રિયા હેઠળ, જિલ્લા કલેક્ટરોને શંકાસ્પદ વિદેશીઓને તેમની નાગરિકતા સાબિત કરવા માટે ૧૦ દિવસનો નોટિસ આપવાનો અને સમયમર્યાદા બાદ નાગરિકતા પર નિર્ણય લેવાનો અધિકાર રહેશે.
જિલ્લા કલેકટર આપશે દેશનિકાલના આદેશ
મુખ્ય પ્રધાન હિંમત બિસ્વા શર્માએ કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયની માહિતી આપતા જણાવ્યું હતું કે નવી એસઓપી રાજ્ય સરકારને નાગરિકતા નિર્ધારણની હાલની પ્રક્રિયાને બાજુ પર મૂકીને જિલ્લા કલેક્ટરોને “શંકાસ્પદ વિદેશીઓ” ને ૧૦ દિવસની મુદત આપવા સત્તા આપશે. જેથી તેઓ સાબિત કરી શકે કે તેઓ ભારતીય નાગરિક છે કે નહીં. તેમણે કહ્યું કે જો આ પછી પણ તે લોકો આમ કરવામાં નિષ્ફળ રહે તો જિલ્લા કલેકટર તેમની સામે દેશનિકાલનો આદેશ જારી કરી શકે છે.
જૂન મહિનામાં CMએ કરી હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂન મહિનામાં અસમના મુખ્ય પ્રધાને વિધાનસભામાં જાહેરાત કરી હતી કે અસમ સરકારે અપ્રવાસી (આસામમાંથી દેશનિકાલ) અધિનિયમ, 1950ને લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આ માટે સુપ્રિમ કોર્ટની બંધારણીય પીઠ દ્વારા ઓકટોબર 2024માં આપવામાં આવેલા ચુકાદાને ટાંક્યો હતો, હેમા નાગરિકતા અધિનિયમની કલમ 6Aની બંધારણીય માન્યતાને યથાવત રાખી હતી. જે 24 માર્ચ 1971ને અસમમાં પ્રવેશ માટેની અંતિમ તારીખ નિર્ધારિત કરે છે. એટલે કે આ તારીખ બાદ અસમમાં પ્રવેશ કરનારને ગેરકાયદે અપ્રવાસી માનવામાં આવશે.
જો પુરાવા નહિ આપી શકે તો શું થશે?
અહેવાલો અનુસાર, અસમ કેબિનેટે હવે આ અધિનિયમ લાગુ કરવા માટે જે SOPને મંજૂરી આપી છે. આ SOP અનુસાર, જો કલેકટર, સીમા પોલીસ કે અન્ય સ્ત્રોતથી જાણવા મળે કે કોઈ વ્યક્તિ વિદેશી છે, તો કલેકટર તે વ્યક્તિને ૧૦ દિવસની અંદર પોતાની નાગરિકતા સાબિત કરવા માટે નોટિસ આપશે. જો તે ૧૦ દિવસમાં તેના દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો કલેકટરને સંતોષકારક ન લાગે, તો દસમા દિવસે, ઉપાયુક્ત દેશનિકાલનો આદેશ જારી કરશે.