ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ૧૦ ધારાસભ્ય સસ્પેન્ડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. તે દરમિયાન વિવાદ થતા કૉંગ્રેસના ૧૦ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. છોટા ઉદેપુર નકલી કચેરી મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો અને કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો. કૉંગ્રેસના ૧૦ ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જે બાદ કૉંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યોએ નકલી કાંડનો મુદ્દો ઉછાળ્યો હતો. આ મુદ્દાને લઇને સરકાર અને વિપક્ષ આમને સામને આવી ગઇ હતી જે બાદ હોબાળો થતા કૉંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસે મંગળવારે દિવસ માટે પણ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
સંસદીય પ્રધાન ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મૂક્યો હતો કે, વિપક્ષ પેટા પ્રશ્ર્નો પૂછી શકે છે પણ વર્તન અયોગ્ય છે. કૉંગ્રેસ પક્ષના નેતાઓને મંગળવાર દિવસે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી જે પછી પ્રધાન બળવંતસિંહ રાજપૂતે દરખાસ્તને ટેકો આપ્યો હતો.
ગુજરાત વિધાનસભા ગૃહમાં છોટા ઉદેપુર નકલી કચેરી કાંડનો મુદ્દો ગૂંજ્યો હતો. કૉંગ્રેસના ધારાસભ્યોએ નકલી કચેરી કાંડને લઇને ગૃહમાં નારા પણ લગાવ્યા હતા. સરકારે નકલી કચેરી કાંડ અંગે જવાબ આપતા કહ્યું હતું કે, નકલી કચેરીઓ ઝડપાઇ તેની જાણ થતા જ કાર્યવાહી કરવામાં આવી છે, જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. નાણાંની રિકવરી અંગે ન્યાયિક તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
દરમિયાન આ અંગે વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા સામાન્ય દલિત સમાજનો પરિવાર હોય, આદિવાસી સમાજનો હોય કે કોઈ સમાજનો હોય એની પાયાની જરૂરિયાત માટે વાપરવા જોઇએ, રૂ. ૨૧ કરોડ જેવી માતબર રકમ નકલી કચેરીઓ ખોલીને બારોબાર નકલી અધિકારીઓ મેળાપીપણાંથી લઈ જતા હોય તો વિપક્ષે શું ચૂપ રહેવાનું? ખોટા જવાબ આપે તો અમે ચૂપ રહીએ? વિધાનસભાના નિયમોને આધીન અમારી જગ્યા પર ઊભા રહીને વિરોધ કર્યો હતો.