નવી દિલ્હીઃ 2025ના નવા વર્ષનો આરંભ થઇ ગયો છે. નવા વર્ષ લોકો માટે નવી તકો, આશાઓ, અપેક્ષાઓ, સંકલ્પો લઇને આવ્યું છે. નવા વર્ષમાં રાજનીતિથી લઈને ધર્મ અને રમતગમતથી લઈને વિજ્ઞાન સુધી ઘણી બધી વસ્તુઓ પહેલીવાર બનવાની છે, જેના પર સૌની નજર રહેશે. આપણે એ વિશે જાણીએ.
મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણીઓ યોજાશે
દેશની સૌથી ધનિક મુંબઇની મહાનગર પાલિકા ચૂંટણી પણ આ વર્ષે યોજાશે. આ ઉપરાંત અર્બન બોડી અને સ્થાનિક સંસ્થાઓની પણ ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં મહાયુતિ (NDA) અને મહાવિકાસ અઘાડી (MVA) વચ્ચે જંગ જોવા મળશે. મુંબઈમાં શિવસેનાનો પ્રભાવ છે. ભાજપ પણ ઘણા વિસ્તારોમાં સારી પકડ ધરાવે છે. BMC ચૂંટણીમાં શિવસેનાની બંને છાવણીઓ સામસામે આવશે. આ સ્થિતિમાં ભાજપની ભૂમિકા પણ મહત્વની રહેશે.
ભાજપના નવા અધ્યક્ષ બનશે
હાલમાં જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની તૈયારી ચાલી રહી છે. ભાજપ આખા વર્ષ દરમિયાન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પણ ઉજવશે. તે 25 ડિસેમ્બર 2024 થી 25 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. આ વર્ષ વાજપેયીની જન્મશતાબ્દી છે. ભાજપ આખા વર્ષ દરમિયાન તેમની જન્મજયંતિ સુશાસનના રૂપમાં ઉજવશે.
ટેક્સ રેટની નવી સિસ્ટમ આવશે
દેશમાં કર પ્રણાલી વધુ સરળ અને પારદર્શક બનાવવા તેમાં નોંધપાત્ર ફેરફારો થશે, જેનો હેતુ કર વહીવટને કાર્યક્ષમ બનાવવાનો છે. નાણા મંત્રાલય નવી આવકવેરા પ્રણાલી પર કામ કરી રહ્યું છે. નવી સિસ્ટમ હેઠળ જૂના વિભાગો અને પેટા વિભાગો નાબૂદ થઈ શકે છે. જૂના ઈન્કમટેક્સ એક્ટની જગ્યાએ નવો ઈન્કમ ટેક્સ એક્ટ લાવવામાં આવશે. નાણા મંત્રાલય આ વર્ષે ફેબ્રુઆરીમાં આવનારા બજેટમાં તેની જાહેરાત કરવાની સંભાવના પર વિચાર કરી રહ્યું છે. ટેક્સ ભરવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવશે.
દિલ્હી અને બિહારમાં ચૂંટણી
2025માં દિલ્હી અને બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી (AAP) 10 વર્ષથી સત્તામાં છે. AAPએ 2013માં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. 49 દિવસ પછી રાજીનામું આપવું પડ્યું. તે પછી, જ્યારે ફેબ્રુઆરી 2015ની ચૂંટણીમાં AAPએ 67 બેઠક જીતી સરકાર બનાવી હતી. 2020ની ચૂંટણીમાં પણ AAPએ 62 બેઠકો જીતી હતી અને કેજરીવાલ ત્રીજી વખત મુખ્ય પ્રધાન બન્યા હતા. વર્ષ 2024માં AAP અને કેજરીવાલ માટે કપરાં ચઢાણ છે. તેઓ દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા છે અને આતિશી સીએમનો કાર્યભાર સંભાળે છે. દિલ્હીમાં AAP ભાજપ અને કોંગ્રેસ સાથે સ્પર્ધા કરી રહી છે. ભાજપે છેલ્લે 1993માં દિલ્હીમાં ચૂંટણી જીતી હતી, કોંગ્રેસે શીલા દીક્ષિતના નેતૃત્વમાં દિલ્હીમાં સતત ત્રણ ચૂંટણી જીતી હતી અને સરકાર બનાવી હતી. ભાજપ ફરી સરકાર બનાવવા માટે પોતાની તાકાતનો ઉપયોગ કરી રહી છે. કોંગ્રેસ સમક્ષ ખોવાયેલો આધાર પાછો મેળવવાનો પડકાર છે.
બિહારમાં સૌથી વધુ રસાકસી રહેશે
બિહારની વાત કરીએ તો અહીં એનડીએની સરકાર છે અને જેડીયુના નીતીશ કુમાર મુખ્ય પ્રધાન છે. બિહારમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હોવા છતાં આત્મનિર્ભર નથી. તેને જેડીયુ ઉપરાંત એલજેપી (આર), જીતન રામ માંઝીની એચએએમ અને ઉપેન્દ્ર કુશવાહાની આરએલપીની કાંખઘોડીનો સહારો લેવો પડ્યો છે. નીતીશ કુમાર પાટલીબદલુ છે તેઓ ક્યારે પાટલી બદલી ઇન્ડિ એલાયન્સમાં જતા રહે એ કહેવાય નહીં. એમ થાય તો કેન્દ્રમાં પણ સરકાર માટે મુશ્કેલી ઊભી થાય એમ છે.
છ રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાશે
ગયા વર્ષે લોકસભાની ચૂંટણી સહિત મહારાષ્ટ્ર, હરિયાણા, છત્તીસગઢ વગેરે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી. હવે આ વર્ષે પશ્ચિમ બંગાળ, યુપી, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, કેરળ અને ગુજરાતમાં પેટાચૂંટણી યોજાવાની છે, એના પર પણ બધાની નજર રહેશે.
આરએસએસ 100 વર્ષ પૂર્ણ કરશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થશે. RSS વિજયાદશમીના દિવસે તેનો સ્થાપના દિવસ ઉજવશે. RSS હાલમાં 80 થી વધુ દેશોમાં સક્રિય છે. RSSને વિશ્વની સૌથી મોટી બિનસરકારી સંસ્થા માનવામાં આવે છે. RSSનું મુખ્યાલય નાગપુર છે. વર્ષ 1925 માં, 27 સપ્ટેમ્બર, વિજયાદશમીના દિવસે, કેશવ બલિરામ હેડગેવાર દ્વારા RSSની સ્થાપના કરવામાં આવી હતી. શહેરો અને ગામડાઓ સહિત દેશમાં 50,000 સ્થળોએ RSSની શાખાઓ છે અને તેની સાથે 90 લાખ સ્વયંસેવકો જોડાયેલા છે. સંઘની પ્રથમ શાખામાં માત્ર 5 લોકો જોડાયા હતા. RSS પાસે તેના વિચારોનો ફેલાવો કરવા માટે દેશભરમાં હજારો શાળાઓ, ચેરિટી સંસ્થાઓ અને ક્લબ છે. સંઘનો ભગવો ધ્વજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અંતર્ગત તમામ નિર્ણયો અને ઠરાવો લેવામાં આવે છે.
મહાકુંભ પર 7,500 કરોડનો થશે ખર્ચ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી એમ 45 દિવસ સુધી મહાકુંભનું આયોજન થયું છે. આ મેળામાં કુંભ સ્નાન એટલે કે શાહી સ્નાનનું ઘણું મહત્વ હોય છે. મહાકુંભ વિશ્વભરના લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. યુપી સરકાર મહાકુંભના 421 પ્રોજેક્ટ પર 5435.68 કરોડ રૂપિયાનો અને કેન્દ્ર સરકારે 2100 કરોડનો ખર્ચ કર્યો છે. મહાકુંભ પર કુલ 7500 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. મહાકુંભ પર સમગ્ર દેશ અને દુનિયાની નજર છે.
વસ્તી ગણતરી કરવામાં આવશે
દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતની વસ્તી ગણતરી થશે. દર દસ વર્ષે દેશમાં વસ્તી ગણતરી થાય છે. હવેથી વસ્તી ગણતરીના ચક્રમાં પણ ફેરફાર થશે અને વર્ષ 2035, 2045…. એમ દર દસ વર્ષના સમયગાળા દરમિયાન વસ્તી ગણતરી કરવામાં આવશે. દેશમાં પ્રથમ વાર પેપરલેસ ડિજિટલ રીતે વસ્તી ગણતરી થશે.
જનરેશન બીટા યુગ શરૂ થશે
જનરેશન Alpha બાદ હવે AI નિષ્ણાંત જનરેશન બીટા યુગ શરૂ થશે. ડિજિટલ ટેક્નોલોજીનો વ્યાપ એટલી હદે વિકસી રહ્યો છે કે ભવિષ્યના બાળકો માટે AI, રોબોટિક્સ અને ઓગમેન્ટેડ રિયાલિટી (AR) તેમના રોજિંદા જીવનનો ભાગ બની જશે. પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓથી દૂર જઈને, AI-સમર્થિત ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સથી વ્યક્તિગત શિક્ષણ આપવામાં આવશે જેને કારણે તેઓ વધુ વૈશ્વિક માનસિકતા વિકસાવશે.
ચેમ્પિયન્સ ટ્રોફી પર સૌની રહેશે નજર
2025માં ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થયું છે, જે ODI ફોર્મેટમાં રમાશે. પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) આ ટુર્નામેન્ટની યજમાની કરશે. ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને ફાઈનલ 9મી માર્ચે રમાશે. T20 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે વધુ એક ICC ટ્રોફી ઉપાડવાની તક હશે. આ વર્ષે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ યોજાવાની છે. ભારત આ વર્ષે મહિલા વનડે વર્લ્ડ કપની યજમાની કરશે. આ સિવાય ભારત પ્રથમ વખત વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરશે. તેનું આયોજન નવી દિલ્હીમાં 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે.
આ વર્ષે ભારત અવકાશ ક્ષેત્રે પણ હરણફાળ ભરશે અને યુએસના સહયોગમાં સંયુક્ત ઉપગ્રહ NISAR પણ લોન્ચ કરશે.આ ઉપરાંત માનવરહિત ગગનયાન મિશન અંતર્ગત રોબોને અવકાશમાં મોકલશે.
ઈમરજન્સી, ફતેહ, લાહોર-1947 જેવી ફિલ્મો રિલીઝ થશે
2025માં બોલિવૂડની ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવાની છે. કંગના રનૌતની ‘ઇમરજન્સી’, સોનુ સુદ -જેક્લિન ફર્નાન્ડિઝની ‘ફતેહ’, અજય દેવગનની ‘આઝાદ’, સની દેઓલની ‘લાહોર-1947’ આ વર્ષે રિલીઝ થશે, જેના પર લોકોની નજર રહેશે.
Taboola Feed