મહાકુંભ 2025

મહાકુંભની અસરઃ ગુજરાતના યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો

અમદાવાદઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનો આજે 18મો દિવસ છે. મૌની અમાસ પર થયેલી નાસભાગમાં 30 શ્રદ્ધાળુના મોત થયા હતા. તેમ છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મહાકુંભની અસર ગુજરાતના યાત્રાધામો પર જોવા મળી રહી છે. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથ અને દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત નાગેશ્વર, ચોટીલા, કાગવડ, માટેલ સહિતના ધાર્મિક સ્થળોમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.

મહાકુંભની સીધી અસર સૌરાષ્ટ્રાના યાત્રાધામો પર જોવા મળી રહી છે. મોટાભાગના ધાર્મિક સ્થાનોમાં દર્શનાર્થીઓની સંખ્યા 50 ટકા ઘટી છે. દ્વારકામાં મહાકુંભ પહેલા દરરોજ 75 હજાર જેટલા ભક્તો દર્શન કરતા હતા. મહાકુંભની શરૂઆત બાદ મકરસંક્રાતિ સિવાયના તમામ દિવસોમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. આવી જ રીતે સોમનાથ મહાદેવને શિશ નમાવવા આવતાં શ્રદ્ધાળુઓની સંખ્યા પણ ઘટી છે. સામાન્ય દિવસોમાં અહીં 50 હજાર જેટલા શ્રદ્ધાળુઓ આવતા હોય છે પરંતુ હવે સંખ્યા ઘટીને માત્ર 20 હજાર જેટલી થઈ છે.

આ પણ વાંચો: મહાકુંભ મેળામાં વ્યવસ્થા સુધરશે! મુખ્ય પ્રધાન યોગીએ બેઠક બાદ આ આદેશ આપ્યા

માત્ર દ્વારકા કે સોમનાથ જ નહીં વીરપુર, ચોટીલા, કાગવડ, તુલશીશ્યામ, સત્તાધાર, પરબ, નાગેશ્વર સહિતના ધાર્મિક સ્થળોમાં ભાવિકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં જઈ રહ્યા હોવાથી તેની સીધી અસર અહીંયાના યાત્રાધામો પર જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં થયેલી નાસભાગ બાદ આજથી 5 મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ હવે મેળા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ રહેશે. કોઈ પણ પ્રકારના વિશેષ પાસની મદદથી વાહનને એન્ટ્રી નહીં મળે, શ્રદ્ધાળુઓ સરળતાથી આવી-જઈ શકે તે માટે વન વે રોડ પોલિસી લાગુ, પ્રયાગરાજ સાથે સંકળાયેલા જિલ્લામાંથી આવતા વાહનોને સરહદ પર જ અટકાવી દેવાશે તેમજ શહેરમાં ફોર વ્હીલરની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button