૩૭ વર્ષની ઉંમરે ૯૮મી ટેસ્ટમાં અશ્ર્વિને મેળવી ૫૦૦ વિકેટની સિદ્ધિ
ભારતનો બીજો અને વિશ્ર્વનો નવમો બોલર
રાજકોટ: ૩૭ વર્ષનો ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્ર્વિન ટેસ્ટ-ક્રિકેટમાં ૫૦૦મી વિકેટ લેનારો ભારતીયોમાં અનિલ કુંબલે પછીનો બીજો અને વિશ્ર્વનો નવમો બોલર બન્યો હતો.
શુક્રવારે અહીં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે અશ્ર્વિને બ્રિટિશ ટીમને પહેલો જ આંચકો આપીને ૫૦૦મી વિકેટની સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. તેણે ઓપનર ઝૅક ક્રૉવ્લીને રજત પાટીદારના હાથમાં કૅચઆઉટ કરાવ્યો એ સાથે જ ડ્રેસિંગ-રૂમમાંથી હેડ-કોચ રાહુલ દ્રવિડ અને તેના કોચિંગ સ્ટાફ મેમ્બર્સે તેમ જ ઇલેવનની બહાર રાખવામાં આવેલા ખેલાડીઓએ અશ્ર્વિનની આ
મહાન સિદ્ધિને તાળીઓથી વધાવી લીધી હતી. મેદાન પર અશ્ર્વિનને દરેક મજૂદ ખેલાડીએ અભિનંદન આપ્યા હતા.
અશ્ર્વિન ટેસ્ટના ફૉર્મેટમાં ૫૦૦ વિકેટ લેનાર મુથૈયા મુરલીધરન (હાઇએસ્ટ ૮૦૦ વિકેટ) અને નૅથન લાયન (૫૧૭) પછીનો ત્રીજો જ ઑફ-સ્પિનર છે.
લેગ-સ્પિનર અનિલ કુંબલેની કરીઅર ૬૧૯મી વિકેટ સાથે પૂરી થઈ હતી.
અશ્ર્વિને ૫૦૦માંથી ૩૪૭ વિકેટ ભારતમાં લીધી છે અને એમાં તેની ૨૧.૨૨ની બોલિંગ ઍવરેજ છે જે ઘરઆંગણે સૌથી સારી સરેરાશ નોંધાવનારાઓમાં મુરલીધરન (૧૯.૫૭) અને મૅકગ્રા (૨૨.૪૩) પછી ત્રીજા સ્થાને છે.
હવે અશ્ર્વિન ૧૦૦મી ટેસ્ટથી બે જ ડગલાં દૂર છે. ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટ રાંચીમાં અને પાંચમી ટેસ્ટ જે અશ્ર્વિનની ૧૦૦મી મૅચ બની શકે એ ધરમશાલામાં રમાશે.
કુંબલે અને હરભજન સિંહ પછી હરીફ ટીમોને મુશ્કેલીમાં લાવવાની જવાબદારી ભારતીય સ્પિનરોમાં અશ્ર્વિનના માથે આવી હતી જે તેણે રવીન્દ્ર જાડેજા સાથેની જોડીમાં બહુ સારી રીતે સંભાળી છે.
ભજ્જીની કરીઅર ૪૧૭મી વિકેટ સાથે પૂરી થઈ હતી.
ભારતે પ્રથમ દાવમાં ૪૪૫ રન બનાવ્યા પછી ઇંગ્લૅન્ડે બીજા દિવસની રમતને અંતે બે વિકેટે ૨૦૭ રન બનાવ્યા હતા.