
અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ વચ્ચે હવે રામ મંદિરનાં શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવ્યા છે. મંદિર પ્રશાસન દ્વારા રામ મંદિરમાં દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. આથી હવે ભક્તોને એક કલાક વધુ ભગવાન શ્રીરામનાં દર્શન કરવા મળશે.
એક કલાક વહેલું ખુલશે મંદિર
પ્રાપ્ત વિગતો અનુસાર અયોધ્યામાં રામ મંદિરમાં દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. હવે મંદિર સવારે 7 વાગ્યાને બદલે સવારે 6 વાગ્યે એટલે કે એક કલાક વહેલું ખુલશે. રામ મંદિર ટ્રસ્ટના મીડિયા વિભાગે સોમવારે આ માહિતી આપી. મીડિયા વિભાગનાં જણાવ્યા અનુસાર રામ મંદિરમાં દર્શન માટેના નવી સમયસારણીમાં સુધારેલ આરતીના સમયનો સમાવેશ થાય છે અને સોમવારથી જ તેનો અમલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…UAEમાં યુપીની મહિલાને ફાંસીની સજા અપાયાની ભારત સરકારે પુષ્ટિ કરી; કાલે થશે દફનવિધિ
શ્રદ્ધાળુઓને ક્યારે મળશે પ્રવેશ?
નિર્ધારિત સમય સારણી મુજબ, શ્રૃંગાર આરતી બાદ શ્રદ્ધાળુઓ સવારે 6:30 થી 11:50 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે. ત્યારબાદ રાજભોગ આરતી માટે મંદિર બપોરે 12 વાગ્યે બંધ કરવામાં આવશે. દર્શન ફરી બપોરે 1 થી સાંજે 6:50 વાગ્યા સુધી શરૂ થશે, ત્યારબાદ સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી થશે.
વધુમાં ટ્રસ્ટે જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓને રાતે 9:45 સુધી દર્શન કરવા મળશે. રાતે 10 વાગ્યે શયન આરતી બાદ મંદિર બીજા દિવસ સવાર સુધી બંધ રહેશે.