પાકિસ્તાને કરી મોટી ભૂલ; ભારતના 3 લશ્કરી મથકો પર હુમલો કર્યો, મળશે જડબાતોડ જવાબ

નવી દિલ્હી: પાકિસ્તાને ગુરુવારે રાત્રે ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સેનાએ પુષ્ટિ કરી કે પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં લશ્કરી મથકો પર મિસાઇલ અને ડ્રોન વડે હુમલા કર્યા હતાં, જેને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. આવું કરીને પાકિસ્તાને મોટી ભૂલ કરી છે, ભારતીય સેનાએ વળતી કાર્યવાહી કરી રહી છે.
ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સર્વિસીસ દ્વારા X પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું, “જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આવેલા જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના લશ્કરી મથકોને પાકિસ્તાન દ્વારા મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને નિશાન બનાવવામાં આવ્યા હતાં.”
ભારતની આર્મ્ડ ફોર્સીઝએ સ્પષ્ટતા કરી કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં કોઈ નુકસાન થયું નથી. પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું, “ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કઈનેટીક અને નોન- કઈનેટીક માધ્યમોથી SoP મુજબ મિસાઈલને નષ્ટ કરવામાં આવી છે.”
પાકિસ્તાને કરી ભૂલ:
મહત્વની વાત છે કે ગુરુવારે ભારતે સ્પષ્ટતા કરી હતી કે ઓપરેશન સિંદૂર હેઠળ માત્ર આતંકવાદી ઠેકાણાઓ પર જ હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના લશ્કરી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો નથી.
હવે પાકિસ્તાને સીધો ભારતીય સેના પર હુમલો કર્યો છે. જેને પાકિસ્તાનની મોટી ભૂલ માનવામાં આવી રહી છે. ભારત હવે જડબાતોડ આપે તેવી શક્યતા છે.
ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાની ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા બાદ જમ્મુ, પંજાબ અને રાજસ્થાનના ઘણા શહેરોમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન તરફથી આઠ મિસાઇલો સતવારી, સાંબા, આરએસ પુરા અને અર્નિયા પર છોડવામાં આવી હતી, જેને એર ડિફેન્સ યુનિટ્સ દ્વારા નષ્ટ કરવામાં આવી હતી.