નેશનલ

પાકિસ્તાને બોર્ડર પર ભારતીય મકાનોને બનાવ્યા નિશાન, ઘાયલ લોકોએ કહી આ વાત

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઓપરેશન સિંદૂર બાદ નાસીપાસ થયેલા પાકિસ્તાને ભારતના 15 જેટલા શહેરો પર હુમલાની કોશિશ કરી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનની આ કોશિશ નિષ્ફળ બનાવી હતી. પાકિસ્તાન દ્વારા પૂંછમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોના કહેવા મુજબ, પહલગામમાં માર્યા ગયેલા લોકોને ન્યાય મળ્યો છે. અમને થયેલી ઈજા મૃતક પરિવારોના દુઃખ આગળ કંઈ નથી. પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર હુમલો કરીને સુરક્ષાદળોએ દેશના દરેક નાગરિકને ગર્વની અનુભૂતિ કરાવી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન લાલ શર્માએ કહ્યું, ફાયરિંગ શરૂ થયું ત્યારે તે કૃષ્ણા ઘાટી કુંજમાં ડ્યુટી પર હતા. ખુદને બચાવવા મોટો પડકાર હતો. આ દરમિયાન પાકિસ્તાને છોડેલો ગોળો વૃક્ષ પર પડ્યો હતો. જેની ઝપેટમાં તે આવી ગયો હતો. પાકિસ્તાન તરફથી ગોળા વરસાદની જેમ આવતા હતા. મોત નજર સમક્ષ જ હતું, ભગવાનની કૃપાથી જીવ બચ્યો હતો. યુદ્ધના સમયે પાકિસ્તાનની કોશિશ દર વખતે રહેણાંક વિસ્તારોને જ નિશાન બનાવવાની હોય છે.

અન્ય એક સ્થાનિકના કહેવા પ્રમાણે, જ્યાં જુઓ ત્યાં ગોળા જ પડતા હતા. એક ગોળો મારા ઘરની અંદર પડ્યો હતો. મારું ઘર ક્ષતિગ્રસ્ત થઈ ગયું. મને પીઠ અને હાથમાં ગંભીર ઈજા પહોંચી છે. ભારતે ભૂતકાળમાં પણ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હોવા છતાં સુધરવાનું નામ નથી લઈ રહ્યું. ભારતે આ વખતે વધારે આક્રમક કાર્ચવાહી કરવી જોઈએ. બિહારના રહેવાસી અને પૂંછમાં એક એનજીઓમાં કામ કરતા વ્યક્તિએ કહ્યું કે, પ્રથમ વખત આવું દ્રશ્ય જોયું છે.

જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા ગામડાઓમાં ડરનો માહોલ છે. સાંજ થતાં જ બજાર બંધ થઈ જાય છે, અંધારુ થતાં જ લાઈટ બંધ કરી દેવામાં આવે છે. ડરના માહોલ વચ્ચે લોકોએ તેમના પરિવારજનોને સુરક્ષિત જગ્યાએ મોકલી દીધા છે. બોર્ડર વિસ્તારના ગામડાઓના લોકોના કહેવા પ્રમાણે, આ સમય પ્રાથમિકતા સુરક્ષા છે. સેનાની કાર્યવાહી દેશની રક્ષા અને સન્માન માટે છે. અમને પાકિસ્તાનની કાર્યવાહીની ચિંતા નથી. ભારતીય સેના દરેક સ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button