નેશનલ

દિલ્હીમાં વધુ ૮ પ્રદૂષણ હોટસ્પોટ મળી આવ્યા: પર્યાવરણ પ્રધાન ગોપાલ રાય

પ્રદૂષણ રોકવા માટે ધૂળ નિવારક દવાઓનો ઉપયોગ કરાશે

નવી દિલ્હી: સરકારે રાજધાની દિલ્હીમાં હાલના ૧૩ ઉપરાંત વધુ ૮ પ્રદૂષણ હોટસ્પોટ ઓળખી કાઢ્યા છે અને આ સ્થળોએ પ્રદૂષણના સ્ત્રોતોની તપાસ કરવા માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવશે, એમ દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે સોમવારે જણાવ્યું હતું.

રાજધાનીમાં પ્રદૂષણ ઘટાડવાના પગલાના અસરકારક અમલીકરણની ખાતરી કરવા માટે ૨૮ વિભાગો સાથેની બેઠક બાદ રાયે જણાવ્યું હતું કે, સરકારે શહેરમાં ધૂળના પ્રદૂષણને રોકવા માટે ધૂળ નિવારક પાવડરનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય કર્યો છે. દિલ્હીની હવાની ગુણવત્તા મે માસ પછી પ્રથમ વખત રવિવારે ખૂબ જ નબળી બની હતી. મુખ્યત્વે તાપમાનમાં ઘટાડો અને પવનની ઝડપને કારણે પ્રદૂષકો એકઠાં થયા હતા.

પ્રધાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં હાલના ૧૩ વાયુ પ્રદૂષણના હોટસ્પોટ ઉપરાંત અમે ૮ સ્થાનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જ્યાં એક્યૂઆઇ ૩૦૦નો આંકડો વટાવી ગયો છે. આ સ્થળોમાં શાદીપુર, આઇટીઓ, મંદિર માર્ગ, નેહરુ નગર, પતપરગંજ, સોનિયા વિહાર, ધ્યાનચંદ સ્ટેડિયમ અને મોતી બાગનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રદૂષણના સ્ત્રોતોને ઓળખવા અને દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ સાથે મળીને સુધારાત્મક પગલા લેવા માટે આઠ સ્થળોએ વિશેષ ટીમો તૈનાત કરવામાં આવશે.રાયે એ પણ ઉલ્લેખ કર્યો છે કે જિલ્લા કલેક્ટરને ૨૫ ઑક્ટોબરના રોજ ક્ષેત્રની મુલાકાત લેવા અને પ્રદૂષણ ઘટાડવાના પગલાના કડક અમલીકરણની ખાતરી કરવા સૂચના આપવામાં આવી છે. ધૂળ પ્રદૂષણને રોકવા માટે એન્ટી સ્મોગ ગન્સમાં ધૂળને દબાવનાર પાવડરનો ઉપયોગ કરવા માટે પણ નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button