દિલ્હીના ૨૦૦૦ વર્ષ જૂના કિલ્લામાં થઇ રહેલા ખોદકામમાં વર્ષો જૂની ચીજવસ્તુઓ મળી
નવી દિલ્હી: ભારતીય પુરાતત્ત્વ વિભાગને દિલ્હીના જૂના કિલ્લામાં ખોદકામ કરી રહ્યું છે. જેમાં વર્ષો જૂની અનેક ચીજવસ્તુઓ મળી આવી છે. આ ખોદકામ દરમિયાન પુરાતત્ત્વ ખાતાના અધિકારીઓને એક ખાસ પ્રકારનો પથ્થર મળી આવ્યો છે જેના પર કમળનું નિશાન છે. આ અગાઉ પણ પુરાતત્ત્વ ખાતા દ્વારા કિલ્લામાં ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. તજજ્ઞોનું માનવું છે કે આ એ વાતનો પુરાવો છે કે અહીં ભદ્ર અને કુલીન વર્ગના નાગરિકો રહેતા હતા. આ સિવાયની ટીમને ઇંટ બનાવવાની ખાસ પ્રકારની જગ્યા, વાસણો જેવી ચીજવસ્તુઓ પણ મળી આવી છે.
ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના નિદેશક વસંત સ્વર્ણકારે જણાવ્યું હતું કે એક કાચબાના આકારનું તાવીજ, હાથીદાંતના બીજ, એક મહિલાની ટેરાકોટાની પ્રતિમા, પન્ના, મોતી, સીપલા, તાંબાના વાસણો તેમ જ સિક્કા ખોદકામ દરમિયાન મળી આવ્યા છે. તેમ જ કુષાણ યુગના તીર અને ભાલા પણ મળી આવ્યા છે.
આ સિવાય ખોદકામ દરમિયાન સિક્કા, મહોર, ક્રિસ્ટલ, માણેક, અલગ અલગ પ્રકારના મોતી, લોખંડ અને તાંબાના સાધનો પણ મળ્યા હતા. ગુપ્તકાળ એટલે કે અંદાજે ૫મીથી ૬ઠ્ઠી સદીના તીર અને તાંબા તથા ટેરાકોટાના પૈડાં પણ મળી આવ્યા છે. આ પહેલા આ જગ્યા પરથી ભગવાન વિષ્ણુ, ગજલક્ષ્મી, ભગવાન ગણેશની મૂર્તિઓ અને કેટલાક માટીના વાસણો પણ મળી ચૂક્યા છે. માટીના વાસણોની શૈલી પરથી તે કયા યુગના છે તે નક્કી કરાય છે. સદીઓ પહેલા જમીન નીચે ધરબાયેલી અનેક જગ્યાઓ હવે ખોદકામમાં સામે આવી રહી છે.
ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા કિલ્લામાં વર્ષ ૧૯૫૪-૫૫ બાદ ૧૯૬૯ અને વર્ષ ૨૦૧૩-૧૪ અને ૨૦૧૭-૧૮માં પણ ખોદકામ કરવામાં આવ્યું હતું. એવી પ્રબળ માન્યતા છે કે વર્તમાન દિલ્હી જ પુરાતન કાળની પાંડવોની રાજધાની હસ્તિનાપુર છે. પશ્ર્ચિમ દિલ્હીના એક ગામડામાંથી મળેલા દસ્તાવેજમાં પણ હસ્તિનાપુરનો ઉલ્લેખ છે.