નેશનલ

ટ્રમ્પનું દબાણ નિષ્ફળ: ભારતે પુતિન માટે પાથરી ‘રેડ કાર્પેટ’, વૈશ્વિક રાજકારણમાં મોટો સંદેશ

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ભારત પ્રવાસ માત્ર દ્વિપક્ષીય સંબંધોની મજબૂતીનું જ નહીં, પરંતુ વૈશ્વિક ભૂ-રાજનીતિમાં ભારતની સ્વતંત્ર વિદેશ નીતિનો એક શક્તિશાળી સંદેશ પણ છે. યુક્રેન યુદ્ધ પછી પુતિનનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. ગુરુવારે સાંજે પુતિન પાલમ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને તેમનું વ્યક્તિગત સ્વાગત કર્યું હતું અને રેડ કાર્પેટ પર થયેલા આ સ્વાગત અને હૂંફાળી આવતા-સ્વાગતાથી જૂની મિત્રતાને નવું પરિમાણ મળ્યું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ છતાં મોદી દ્વારા અપાયેલો આ આવકાર વિદેશી મીડિયામાં ‘ટ્રમ્પ Vs. મોદી-પુતિન’ના યુદ્ધ તરીકે જોવામાં આવી રહ્યો છે. પશ્ચિમી મીડિયામાં પણ ભારતની ચર્ચા છે અને કોઈ તેને ‘કૂટનીતિક ખેંચતાણ’માં ફસાયેલું ગણાવી રહ્યું છે, જ્યારે ઘણા ભારતની રણનીતિક સાર્વભૌમિકતાની પ્રશંસા કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદી અને પુતિન એક જ કારમાં સવાર થઈને લોક કલ્યાણ માર્ગ પહોંચ્યા હતા, જે તેમની વચ્ચેના ગાઢ વ્યક્તિગત સંબંધો દર્શાવે છે. આ ‘લિમો ડિપ્લોમેસી’ સપ્ટેમ્બર 2025માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમિયાન પણ જોવા મળી હતી. પશ્ચિમી મીડિયામાં લખ્યું હતું કે મોદીએ અમેરિકી દબાણને સંપૂર્ણપણે અવગણીને પુતિનનું ભવ્ય સ્વાગત કર્યું. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર હર્ષ પંતને ટાંકીને બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે, “આ યાત્રા ભારતની રણનીતિક સ્વાયત્તતાનું પ્રતીક છે, જે મોદીને ટ્રમ્પ પ્રશાસનના દબાણ છતાં પોતાની જરૂરિયાતો આધારિત વિદેશ નીતિ બનાવવાની તાકાત આપે છે.” બીજી તરફ, ધ ન્યૂયોર્ક ટાઇમ્સ એ આ પગલાને બંને નેતાઓના વ્યક્તિગત સંબંધોની મજબૂતી તરીકે જોયો છે.

આ પણ વાંચો: પુતિનને મળ્યાં બાદ PM મોદીએ લખી પહેલી પોસ્ટ, રશિયન રાષ્ટ્રપતિના ભરપૂર વખાણ કર્યાં

આ યાત્રા મોદી માટે એક કૂટનીતિક પડકાર

જોકે, બીજી તરફ આ મુલાકાત વડાપ્રધાન મોદી માટે એક કૂટનીતિક પડકાર લઈને પણ લઈને આવી છે. ધ વોશિંગ્ટન પોસ્ટના મતે, મોદીએ એક તરફ રશિયા સાથેનો ભરોસો જાળવી રાખવાનો છે, તો બીજી તરફ ટ્રમ્પ પ્રશાસનના દબાણને સંતુલિત કરવાનું છે, જે ભારતને સસ્તું રશિયન તેલ ખરીદવા બદલ ટેરિફનો ડામ આપી રહ્યું છે.

બીબીસીએ આ મુલાકાતને ‘શીત યુદ્ધની જૂની મિત્રતાનું પુનરુત્થાન’ ગણાવ્યું હતું, કારણ કે રશિયા હજુ પણ ભારતનો સૌથી મોટો ડિફેન્સ સપ્લાયર છે. દ્વિપક્ષીય વેપાર 2020માં $8.1 અબજથી વધીને માર્ચ 2025 સુધીમાં $68.72 અબજ થયો છે, જેમાં મુખ્યત્વે રશિયન તેલની છૂટવાળી ખરીદીનો મોટો ફાળો છે. પરંતુ ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર લાદવામાં આવેલી 25% વધારાની ટેરિફ નીતિએ આ વેપારને પ્રભાવિત કર્યો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button