નવી દિલ્હી: ૧૫ વર્ષ પહેલાં ટેલિવિઝન પત્રકાર સૌમ્યા વિશ્ર્વનાથનની હત્યા માટે દિલ્હીની એક અદાલતે બુધવારે ચાર જણને દોષી ઠેરવ્યા હતા.
એડિશનલ સેશન્સ જજ રવિન્દ્ર કુમાર પાંડેએ રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક અને અજય કુમારને પણ મકોકાની જોગવાઈઓ હેઠળ દોષી ઠેરવ્યા હતા.
પાંચમા આરોપી અજય સેઠીને આઈપીસીની કલમ ૪૧૧ અને મકોકાની જોગવાઈઓ હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો.
ન્યાયાધીશે કહ્યું કે ફરિયાદ પક્ષે આરોપીઓ સામેના આરોપો સાબિત કર્યા અને ૨૬ ઑક્ટોબરના રોજ સજા માટે મામલો સૂચિબદ્ધ કર્યો હતો.
વિશ્ર્વનાથનની ૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ જ્યારે તે સવારે ૩.૩૦ વાગ્યાની આસપાસ પોતાની કારમાં કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે એવો દાવો કર્યો હતો કે હત્યા પાછળ લૂંટનો હેતુ હતો.
આઇટી એક્ઝિક્યુટિવ જિગીશા ઘોષની હત્યામાં વપરાયેલા હથિયારની રિકવરીથી વિશ્ર્વનાથનની હત્યા કેસનાં પૂરાવા મળ્યા હતા.