નેશનલ
બિહારમાં લઠ્ઠાકાંડ: બેનાં મોત, બે જણે દૃષ્ટિ ગુમાવી
મુઝફ્ફરપુર (બિહાર): પોલીસે રવિવારે જણાવ્યું હતું કે મુઝફ્ફરપુર જિલ્લામાં લઠ્ઠો પીવાથી બે જણ મૃત્યુ પામ્યાં હતાં અને અન્ય બે જણે દૃષ્ટિ ગુમાવી હતી. એડિશનલ એસ. પી. અવધેશ દીક્ષિતે જણાવ્યું હતું કે કાઝી મહંમદપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ ઘટના બની હતી અને લઠ્ઠો વેચનાર બે મહિલાને પકડવામાં આવી છે. દીક્ષિતે જણાવ્યું હતું કે લઠ્ઠો પીવાથી 55 વર્ષીય ઉમેશ શાહ અને પપ્પુ રામનું મૃત્યુ થયું હતું. તેઓના પરિવારના સભ્યોએ દાવો કર્યો હતો કે આ લોકો ત્રણ દિવસ પહેલાં લઠ્ઠો પીને ઘરે આવ્યા હતા અને બીમાર પડ્યા હતા. આ વિસ્તારના અન્ય બે જણે દૃષ્ટિ ગુમાવી હતી. બિહારમાં 2016થી સંપૂર્ણ દારૂબંધી છે. (એજન્સી)