નેશનલ

પ્રાણપ્રતિષ્ઠામાં ૧૪ દંપતી યજમાન

પૂજા: રામેશ્ર્વરમમાં શ્રી રામનાથસ્વામી મંદિરમાં પૂજા કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તેમણે અહીં પવિત્ર સ્નાન પણ કર્યું હતું. પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમને લઇને આખો દેશ રામભક્તિમાં લીન થઇ ગયો છે અને સંબંધિત તૈયારી તડામાર ચાલી રહી છે. (પીટીઆઇ)

અયોધ્યા : અહીંના રામમંદિરના રામલલાની મૂર્તિની ૨૨ જાન્યુઆરીના પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન દેશના વિવિધ ભાગોના ૧૪ દંપતી ‘યજમાન’ બનશે. આ દંપતીની યાદીમાં ઉદયપુરના રામચંદ્ર ખરાડી, આસામના રામ કુઈ જેમી, જયપુરના ગુરુચરણ સિંહ ગિલ, હરદોઈના કૃષ્ણ મોહન, મુલતાનીના રમેશ જૈન, તમિળનાડુના અધલરસન અને મહારાષ્ટ્રના વિઠ્ઠલરાવ કાંબળેનો સમાવેશ થાય છે. યજમાન બનવાનું માન મહારાષ્ટ્રના લાતુરના ઘુમંટુ સમાજ ટ્રસ્ટના મહાદેવ રાવ, કણાર્રટકના લિંગરાજ બસવારાજ, લખનઊના દિલીપ વાલ્મીકિ, ડોમ રાજાના કુુટુંબમાંથી અનિલ ચૌધરી, કાશીના કૈલાસ યાદવ, હરિયાણાના પલવાલના અરુણ ચૌધરી અને કાશીના કવીન્દ્ર પ્રતાપ સિંહને પણ મળ્યું છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેડકરે કહ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આપેલી માહિતી પ્રમાણે ૧૬ જાન્યુઆરીએ ધાર્મિક વિધિ અને અનુષ્ઠાન
શરૂ થઈ ગયા છે અને શનિવારે તેનો પાંચમો દિન હતો. હિન્દુ ધર્મમાં મંદિરની ભક્તિમાં સર્વગ્રાહી વિધિઓ છે અને એમાં સંખ્યાબંધ ‘અધિવાસ’ છે. મુખ્ય પ્રાણપ્રતિષ્ઠા પૂજામાં ૧૪ દંપતી સહભાગી થશે. આ યજમાનો પૂર્વ, પશ્ર્ચિમ, દક્ષિણ અને ઈશાન ભાગના છે. તેઓ મુખ્ય યજમાન હશે.

આ યજમાનો પોતાની પત્ની સાથે સમારોહમાં ભાગ લેશે. આમાં વ્યાપક સહભાગ છે અને ધાર્મિકગ્રંથોમાં સૂચવેલી હોય એવી સર્વગ્રાહી પૂજા કરાય છે.

તેમણે કહ્યું હતું કે દેશના બધા ભાગોના લોકો આમાં સહભાગી થવા માગતા હતા. રામમંદિર માટે અનેક લોકોએ સંઘર્ષ કર્યોછે. આ ઐતિહાસિક ક્ષણ હોવાથી અનેક લોકો આની સાથે જોડવા માગતા હતા. આ ભારતનો ઉત્સવ છે અને એ હિન્દુ સમાજની એકતાનો તહેવાર છે.

અહીં સોમવારે રામમંદિરમાં યોજાનારા પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમને લઇને આખો દેશ રામભક્તિમાં લીન થઇ ગયો છે અને સંબંધિત તૈયારી તડામાર ચાલી રહી છે. માત્ર રામનગરીમાં જ નહિ, પરંતુ દેશના દરેક શહેર અને ગામમાં મંદિરો, હાઉસિંગ સોસાયટીઓ, શેરીઓને શણગારવામાં આવી રહી છે, સુશોભન કરાયું છે, રામ અને રામમંદિરની ધ્વજાઓ લહેરાવા લાગી છે અને ઘણી જગ્યાએ લાઇટિંગ પણ કરાયું છે તેમ જ પોસ્ટર લગાડાયા છે.

અનેક સ્થળે ભગવાન રામચંદ્રની રંગોળી તૈયાર કરાઇ છે, મંદિરોમાં ખાસ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. દેશવિદેશથી મોટી સંખ્યામાં આમંત્રિત મહાનુભાવો રામનગરીમાં આવી રહ્યા છે.

મોદીએ રામાયણ સાથે જોડાયેલા મંદિરમાં પૂજાપાઠ કર્યાં
તિરુચિરાપલ્લી/રામેશ્ર્વરમ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અહીંના શ્રી રંગમ ખાતેના શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પૂજા કરી હતી, જે રામાયણ સાથે જોડાયેલ એક પ્રાચીન મંદિર છે, અને વિદ્વાનો દ્વારા ‘કમ્બ’ રામાયણનું પઠન સાંભળ્યું હતું.

મંદિરની મુલાકાત લેનાર પ્રથમ વડા પ્રધાન મોદીએ નિષ્કલંક ‘વેષ્ટી’ (ધોતિયું) અને અંગાવસ્ત્રમ (એક શાલ) પહેરી હતી અને ભગવાન વિષ્ણુનાં મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમના આગમન પર, પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તેમનું ઔપચારિક ‘પૂર્ણ કુંભ’ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તે રામાયણ જોડાણ સાથે દક્ષિણમાં આ ત્રીજું મંદિર હતું.

મોદીએ શનિવારે શ્રી રંગનાથસ્વામીને પ્રાર્થના કરી હતી અને મંદિરના પૂજારીઓ દ્વારા તેમને ‘સદરી’ (મુગટ, ભગવાન વિષ્ણુના આશીર્વાદનું પ્રતીક)થી આશીર્વાદ આપવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ‘આંગી તીર્થ’ બીચ પર પવિત્ર સ્નાન કર્યા પછી અહીં ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા કરી હતી. રુદ્રાક્ષ-માળા પહેરેલા જોવા મળેલા મોદીએ તમિલનાડુના પ્રાચીન
શિવ મંદિર રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમને પૂજારીઓ દ્વારા પરંપરાગત સન્માન આપવામાં આવ્યું હતું. તેમણે મંદિરમાં રજુ થયેલા ‘ભજન’માં પણ ભાગ લીધો હતો.
તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના રામેશ્ર્વરમ ટાપુમાં આવેલું શિવ મંદિર, રામાયણ સાથે પણ જોડાયેલું છે, કારણ કે અહીંના શિવલિંગની સ્થાપના શ્રી રામ દ્વારા કરવામાં આવી હતી. ભગવાન રામ અને સીતા દેવીએ અહીં પ્રાર્થના કરી હતી.

સોમવારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ (અભિષેક) સમારોહ અગાઉનું વડા પ્રધાને મુલાકાત લીધેલું રામાયણ સાથે જોડાયેલું દક્ષિણમાં આ ત્રીજું મંદિર હતું.

આ પહેલા, આ અઠવાડિયાની શરૂઆતમાં, તેમણે આંધ્ર પ્રદેશના ઐતિહાસિક વીરભદ્ર મંદિરમાં પ્રાર્થના કરી હતી, જેનું રામાયણમાં તેના જટાયુ એપિસોડ સાથે ખૂબ મહત્ત્વ છે. બાદમાં, તેમણે કેરળના થ્રિસુરમાં થ્રીપ્રયાર શ્રી રામાસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ મંદિર ભગવાન રામ અને તેમના ભાઈઓના નિવાસસ્થાનની યાત્રાના ભાગ તરીકે પ્રખ્યાત છે.

પીએમએ વૈષ્ણવ સંત-ગુરુ શ્રી રામાનુજાચાર્ય અને શ્રી ચક્રરથઝવારને સમર્પિત સહિત અનેક ‘સન્નાધિઓ’ (દેવતાઓ માટે અલગ જગ્યાઓ) પર પ્રાર્થના કરી હતી. તેમણે મંદિરના હાથીને ખવડાવીને તેના આશીર્વાદ પણ લીધા હતા. અહીંના પ્રમુખ દેવતા તમિલમાં રંગનાથર તરીકે પ્રખ્યાત છે. શ્રીરંગમ મંદિર રામાયણ સાથે ધાર્મિક અને તમિલ સાહિત્યિક જોડાણ ધરાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…