(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: સરહદી કચ્છના નખત્રાણા તાલુકાના ધાવડાથી દેવપર તરફ જતા માર્ગ પર ગત સોમવારની મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં નખત્રાણાના એકજ પરિવારના ચાર લોકોનાં સ્થળ પરજ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા જ્યારે હજુ બેની હાલત ગંભીર બતાવાઈ રહી છે. આ પ્રાણઘાતક અકસ્માતને પગલે સમગ્ર કચ્છ અને બૃહદ કચ્છના ગોસ્વામી સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.
અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, હતભાગી પરિવારની બાળકીને મોડી રાત્રે ખેંચનો હુમલો આવતાં સારવાર અર્થે પરિવારજનો તેમની હ્યુન્ડાઇ આઈ ૨૦ કાર મારફતે બાળકીના તત્કાળ ઈલાજ માટે માંડવીની હૉસ્પિટલ તરફ જવા નીકળ્યા હતા. તેઓ દેવપર-ધાવડા માર્ગ પર પહોંચ્યા ત્યારે ઑવરસ્પીડમાં જઈ રહેલી તેમની કાર માર્ગ પર ઊભેલી ટ્રક પાછળ અથડાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક માસુમ બાળક સહિત કસ્તુરબેન દિનેશભારથી ગોસ્વામી (ઉ.વ.૫૩), સંગીતાબેન ચેતનભારથી (ઉ.વ. ૨૫), હોમગાર્ડમાં ફરજ બજાવતા પરેશભારથી બચુભારથી (ઉ.વ.૫૦), મનભારથી ચેતનભારથી (ઉ.વ. ૩) એમ સાસુ, વહુ,પૌત્ર અને દિયરના ગંભીર ઈજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યા છે, જ્યારે જેની દવા લેવા જતા હતા એ બાળકી અને તેના પિતા ચેતન ગોસ્વામીને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં હાલ તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહોને નખત્રાણાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવા તજવીજ હાથ ધરાઈ છે.

Google search engine