દાદરના વેપારી સાથે ₹ બે કરોડની છેતરપિંડી: પાંચ જણ સામે ગુનો
મુંબઈ: દાદરના વેપારી સામેની એફઆઇઆર રદ કરાવવા અને લિકર લાઇસન્સ કઢાવી આપવાને બહાને પ્રધાનના કર્મચારીના સ્વાંગમાં પાંચ જણની ટોળકીએ રૂ. બે કરોડની છેતરપિંડી આચરી હતી. માટુંગા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે અલી રઝા શેખ, જય રાજુ મંગલાની, વાલ્મિક ગોલ્હર, વિજય નાડર અને વિક્રાંત સોનાવણે વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદમાં જણાવાયું હતું કે ૨૦૨૦માં તુર્ભે પોલીસ સ્ટેશનમાં વેપારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર, ૨૦૨૧માં વેપારીની મુલાકાત અલી (૨૬) સાથે થઇ હતી અને તેણે વેપારીની ઓળખ મંગલાની સાથે કરાવી હતી. મંગલાની ખૂબ પ્રભાવશાળી છે અને વેપારી વિરુદ્ધની એફઆઇઆર રદ કરાવવામાં મદદ કરી શકે છે, એમ અલીએ કહ્યું હતું. મંગલાનીએ બાદમાં વેપારીની ઓળખ વાલ્મિક સાથે કરાવી હતી અને કહ્યું હતું કે વાલ્મિક રાજ્યના પ્રધાનનો નિકટવર્તી છે અને તે મદદ કરી શકે છે. વાલ્મિક બે બોડીગાર્ડ સાથે ફરતો હતો. અલીએ વાલ્કિમને રૂ. બે લાખનું ટોકન આપવાનું વેપારીને કહ્યું હતું. દરમિયાન દસ્તાવેજો જોયા બાદ વાલ્મિકે વેપારીને જણાવ્યું હતું કે એફઆઇઆર રદ કરાવવા રૂ. ૩૭ લાખ ચૂકવવા પડશે. પ્રધાનનાં ખાતાં સતત નજર હેઠળ હોય છે, એમ કહીં તેણે ચેક સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
વાલ્મિક અને અલી બાદમાં વેપારીને પ્રધાન સાથે મીટિંગ કરાવવાને બહાને મંત્રાલયમાં લઇ ગયા હતા, જ્યાં એક વ્યક્તિની ઓળખ કરાવી હતી, જેણે એફઆઇઆર રદ કરાવવા રૂ. ૪૭ લાખની માગણી કરી હતી. વેપારીએ રકમ ચૂકવી દીધા બાદ બીજા રૂ. ૬૦ લાખ તેની પાસેથી પડાવવામાં આવ્યા હતા. બાદમાં નાડર અને સોનાવણે તેમનું લિકર લાઇસન્સ રૂ. ૬૦ લાખમાં વેચવા માગે છે, એવું વેપારીને કહેવામાં આવ્યું હતું. આમ વેપારી પાસેથી સમયાંતરે રૂ. ૧.૯૬ કરોડ પડાવવામાં આવ્યા હતા.૨૦૨૨માં કામ ન થતાં વેપારીએ પૈસા પાછા માગ્યા ત્યારે અલીએ બંદૂક બતાવી તેને ધમકાવ્યો હતો, જેને પગલે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.