આમચી મુંબઈ

મુંબઈનો રવિવાર ગણેશ આગમન, ટ્રાફિક જામ, બ્લોક અને હાલાકી

(તસવીરો: અમય ખરાડે)
દાદર બજાર -મધ્ય રેલવે -લાલબાગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવને હવે અઠવાડિયાની વાર છે ત્યારે ગણેશ આગમન માટે કાઢવામાં આવતા સરઘસ, તેમાં ઉમટતી માનવમેદની તથા તહેવારો માટે બજારોમાં ખરીદી માટે થતી ભીડને કારણે મુંબઈ, થાણેમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. આ સિવાય રેલવેના મધ્ય, પશ્ર્ચિમ અને હાર્બર લાઇનમાં રવિવારે હાથ ધરાયેલા બ્લોકને કારણે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈના ગણેશ મંડળો દ્વારા રવિવારે બાપ્પાની વિશાળ પ્રતિમાઓ વર્કશોપથી વાજતેગાજતે પંડાલ સુધી જઇ જવામાં આવી હતી. આ સરઘસમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સિવાય બહારગામથી આવેલા મંડળો-લોકો પણ બાપ્પાને ટ્રેન વાટે ઘરે લઇ ગયા હતા. લોકોની ભીડ વધવાને કારણે લાલબાગ, પરેલ, કરી રોડ, ચિંચપોકલી, ભાયખલા અને તેની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. ટ્રાફિક પોલીસ દ્વારા પહેલાથી જ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમુક માર્ગોને ડાઇવર્ટ કરાયા હતા. બેસ્ટની બસના માર્ગમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. નરેપાર્કના પરેલચા રાજા, ચિરાબજારના મહારાજા, ગિરગામચા વિઘ્નહર્તા, મરોળચા રાજા, વિક્રોલી પાર્કસાઇટચા આરાધ્ય, કાળેવાડીચા વિઘ્નહર્તા. તાડદેવચા વિધ્નહર્તા, અંઘેરીચા પેશવા, ફોર્ટચા દેવા મહાગણપતિ સહિત ભાયંદર, વસઇ વિસ્તારના ગણેશોત્સવ મંડળો દ્વારા શનિવારે બાપ્પાને તેડાવવામાં આવ્યા હતા જેને કારણે મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. આવી સ્થિતિ રવિવારે પણ જોવા મળી હતી.
થાણેમાં પણ ટ્રાફિકજામ

થાણે શહેરના મુખ્ય અને આંતરિક વિસ્તારોમાં પણ રવિવારે દિવસભર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. શનિવારે સવારે પાંચ વાગ્યે મુંબ્રા બાયપાસ રોડ પર એક એસિડ ભરેલું ટેન્કર ઊંધું વળતા ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. તેથી ત્યારે પણ ટ્રાફિકની સમસ્યા હતી. રવિવારે પણ ગણેશોત્સવ માટે ખરીદી કરવા ઘણા લોકો ઘરની બહાર પડ્યા હતા અને તેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. આ સિવાય મધ્ય રેલવેમાં બ્લોક હોવાને કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. કાપૂરબાવડી, માનપાડા, માજિપાડા, ઢોકાળી સહિતના શહેરના આંતરિક વિસ્તારોમાં ટ્રાફિકની મોટી સમસ્યા ઊભી થઇ હતી.

બિનવારસ વાહનો ગણેશમંડળોનો
માથાનો દુખાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગમે ત્યાં રસ્તા પર પડી રહેલાં બેવારસ વાહનોએ મુંબઈ ટ્રાફિક પોલીસ, મુંબઈ મહાનગરપાલિકા જ નહીં પણ સાર્વજનિક ગણેશમંડળોની પણ ચિંતા વધારી દીધી છે. ગણેશમૂર્તિને કારખાનાથી મંડપમાં લઈ જતા સમયે કાઢવામાં આવતા સરઘસ દરમિયાન આ બિનવારસ વાહનો અડચણરૂપ બની રહ્યા હોવાની ફરિયાદ ગણેશમંડળોએ મુંબઈ મનપાને કરી છે.
મુંબઈના રસ્તાઓ પહેલાથી સાંકડા હોવાની ફરિયાદ રહી છે તેમાં હવે ગણેશોત્સવ નજીક હોઈ મોટાં મંડળો પોતાની ગણેશમૂર્તિને કારખાનાથી વાજતેગાજતે મંડપમાં લઈ રહ્યા છે, જોકે તેમના સરઘસને આડે રસ્તાની બંને તરફ અનેક જગ્યાએ ત્યજી દીધેલાં વાહનો અડચણરૂપ બની રહ્યાં છે. રસ્તા પર પહેલાથી જ વાહનોની અને રાહદારીઓની અવરજવર હોય છે, તેમાં પાછું રસ્તા પર ગમે ત્યાં વર્ષોથી ધૂળ ખાતાં પડી રહેલાં વાહનો પડી રહ્યાં છે, તે મંડળો માટે સમસ્યારૂપ બની રહ્યા છે.
શહરેમાં આ વર્ષે ૧૯થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન ઊજવવામાં આવનારા ગણેશોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સુધરાઈ પણ રસ્તા પરના ખાડા પૂરવાથી લઈને અન્ય કામમાં વ્યસ્ત છે. જોકે સાર્વજનિક ગણેશોત્સવ મંડળે અમુક મુદ્દાઓે તરફ પાલિકા પ્રશાસનનું ધ્યાન દોર્યું છે, જેમાં અમુક મંડળોએ રસ્તા પર ત્યજી દીધેલાં વાહનો, રસ્તા પરના ખાડાઓ, વૃક્ષોની વધી ગયેલી ડાળખીઓ બાકી રહી ગયેલા ટ્રિમિંગ જેવા મુદ્દાઓ આગળ કર્યા છે.
બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ નરેશ દહીબાવકરના જણાવ્યા મુજબ રસ્તાની બંને તરફ મોટી સંખ્યામાં ખાસ કરીને પશ્ર્ચિમ ઉપનગરમાં અંધેરી અને બોરીવલીના પટ્ટામાં ત્યજી દીધેલાં વાહનોનું પ્રમાણ વધુ છે. જે ગણેશોત્સવ દરમિયાન જોખમી બની શકે છે. અમુક જગ્યાએ હજી પણ ખાડાઓ જણાઈ રહ્યા છે, તો ગણેશમૂર્તિના આગમન અને વિસર્જનરૂટ પર હજી પણ અનેક જગ્યાએ સફાઈ થઈ ન હોવાનું જણાઈ આવ્યું છે. મુંબઈ મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ શક્ય એટલા જલદી રસ્તાની બંને બાજુએે ત્યજી દેવામાં આવેલાં વાહનોને દૂર કરે એવી અમારી વિનંતી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button