મુંબઈ પોર્ટ ટ્રસ્ટની એનઓસીના અભાવે સફાઈ કર્મચારીઓના ક્વોર્ટસનું કામ રખડી પડયું | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈ પોર્ટ ટ્રસ્ટની એનઓસીના અભાવે સફાઈ કર્મચારીઓના ક્વોર્ટસનું કામ રખડી પડયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગભગ એક વર્ષ પછી પણ દક્ષિણ મુંબઈના ફોર્ટ ખાતે કોચીન સ્ટ્રીટ પર સફાઈ કર્મચારીઓ માટે રહેણાંક ક્વાર્ટસ બનાવવાનો મુંબઈ મહાનગરપાલિકાનો પ્રોજેક્ટ અધૂરો જ રહ્યો છે. મુંબઈ પોર્ટ ઓથોરિટી સાથે લીઝની ઔપચારિકતાઓ બાકી હોવાથી આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કહેવાય છે.

આ પ્રોજેક્ટમાં આશ્રય યોજના હેઠળ મુંબઈના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓ માટે રહેણાંક જગ્યા વિકસાવવાનો સમાવેશ થાય છે. સોલિડ વેસ્ટ વિભાગે સફાઈ કર્મચારીઓ માટે વધુ સારી રીતે રહેવાની સ્થિતિ પૂરી પાડવા માટે ડેવલપમેન્ટ કંટ્રોલ એન્ડ પ્રમોશન રેગ્યુલેશન (ડીસીપીઆર) ૨૦૩૪ હેઠળ મંજૂરી માંગી છે.

પાલિકાએ આશ્રય યોજના હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓ માટે કવોટર્સનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો શિલાન્યાસ ઑક્ટોબર ૨૦૨૪માં થયો હતો. અંદાજિત ૧૭ કરોડ રૂપિયાના ખર્ચે આ યોજનામાં ૨૩૮ ચોરસ ફૂટના ૫૪ ઘર બનાવવાના હતા. ૧,૮૯૨.૧૫ ચોરસ મીટરનો પ્લોટ આંશિક રીતે પાલિકા (૧,૪૦૩ ચોરસ મીટર) અને આંશિક રીતે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (૪૮૯.૧૩ ચોરસ મીટર)ની માલિકીનો છે. જોકે પાલિકાના ૧૯૯૧ની ડેવલપમેન્ટ પ્લાન હેઠળ ફક્ત ૮૭૮.૨૩ ચોરસ મીટર જ મકાન બાંધકામ માટે મંજૂર કરવામાં આવ્યો છે.

સાત ઑક્ટોબરના રોજ મુંબઈ પોર્ટ ટ્રસ્ટને લખેલા પત્રમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કિરણ દિઘાવકરે જણાવ્યું હતું કે તમામ સફાઈ કર્મચારી અને હાલમાં ક્વોટર્સમાં રહેતા લોકોના પુનર્વસન માટે પ્રસ્તાવિત ૧,૮૦૪ ચોરસ મીટર બિલ્ટ અપ વિસ્તાર આવશ્યક છે. જૂની લીઝ સમાપ્ત થઈ ગઈ હોવાથી પાલિકાએ મુંબઈ પોર્ટ ટ્રસ્ટને ડીપી ૨૦૩૪ના નિયમ હેઠળ નવા કરાર તૈયાર કરવા વિનંતી કરી છે, જેમાં વધારાના ફ્લેટ બનાવવા માટે ૧,૮૦૪ ચોરસ મીટરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. પ્રોજેક્ટનું કામ પૂરું થયા પાછી ઓછી આવક ધરાવતા સફાઈ કર્મચારીઓેને લોટરી દ્વારા ઘર ફાળવવામાં આવશે, જેનાથી તેમના નોકરીના સમયગાળા દરમ્યાન રહેણાંકની સમસ્યામાં રાહત મળશે.

કોલાબાના ભૂતપૂર્વ નગરસેવક મકરંદ નાર્વેકરે મુંબઈ પોર્ટ ટ્રસ્ટને પત્ર લખીને સફાઈ કર્મચારીઓ માટે નવા આવાસ પૂરા પાડવા માટે આ મુદ્દે બેઠક લેવાની વિનંતી કરી છે. તેથી આ પ્રોજેક્ટને એનઓસી મળવાની પ્રક્રિયા ઝડપથી થશે.

આ પણ વાંચો…બીએમસીના સફાઈ કર્મચારીઓની હડતાળ પાછી ખેંચાઈ

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button