આમચી મુંબઈ

મહાડની ફૅક્ટરીમાં આગ ડીએનએ ટેસ્ટ પછી મૃતદેહો પરિવારજનોને સોંપાયા

કંપનીના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો

અલિબાગ: રાયગઢ જિલ્લાના મહાડ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની બ્લુ જેટ હેલ્થકૅરની ફૅક્ટરીમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા ૧૧ કર્મચારીના મૃતદેહ ડીએનએ ટેસ્ટ પછી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. બીજી બાજુ, મૃતકોના કુટુંબીજનોને વળતર પેટે ૩૦ લાખ રૂપિયા આપવાનું કંપનીએ નક્કી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મહાડમાં એમઆઈડીસી ખાતે આવેલી આ ફૅક્ટરીમાં ત્રીજી નવેમ્બરે આગ લાગી હતી. આગમાં ૧૧ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે સાત ગંભીર રીતે ઘવાયા હતા.

આગમાં સળગી ગયેલા મૃતદેહોની ઓળખ મેળવવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવી હતી. શુક્રવારે મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. અંતિમ વિધિ માટે મૃતદેહોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ કંપની દ્વારા દરેક મૃતકના કુટુંબીજનોને ૩૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને શુક્રવારથી રૂપિયા આપવાની શરૂઆત પણ કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે આગમાં ૧૧ જણે જીવ ગુમાવતાં પોલીસે કંપનીના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ પ્લાન્ટની દેખરેખની જવાબદારી જેમને સોંપાઈ હતી એ વરિષ્ઠ અધિકારીની ત્રણ દિવસ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. અન્ય બે અધિકારીનાં નામ પણ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યાં હતાં.

જખમી કર્મચારીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૪, ૩૦૮ અને અન્ય સુસંગત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button