થાણેમાં બંધ ફેકટરીમાં આગ: કોઈ જખમી નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં વાગલે એસ્ટેટમાં આવેલી એક બંધ ફેકટરીમાં ગુરુવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. થાણે ડિઝાસ્ટર મૅનેજમેન્ટના જણાવ્યા મુજબ થાણેમાં વાગલે એસ્ટેટમાં કિસન નગરમાં રોડ નંબર ૧૬ પર સ્પેેક્ટોમૅટિક પ્રાઈવેટ લિમિટેડ નામની ગારમેંટ તૈયાર કરનારી ફેકટરી આવેલી છે. જે લાંબા સમયથી બંધ પડેલી છે. ગ્રાઉન્ડ પ્લસ બે માળની લગભગ ૧૦,૦૦૦ સ્કવેર ફૂટની આ જગ્યામાં ગુરુવારે બપોરના ૨.૪૦ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી.
ફાયરબ્રિગેડના બે ફાયર ઍન્જિન, બે વોટર ટેન્કર, એક જંબો વોટર ટેંકર વગેરે ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ એક કલાક બાદ એટલે કે ૩.૪૦ વાગ્યા સુધીમાં આગ પર નિયંત્રણ મેળવવાામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.