Zomatoએ 2023ના ફૂડ ટ્રેન્ડ અંગે રસપ્રદ આંકડાઓ જાહેર કર્યા, મુંબઈનો આ શખ્સ ફૂડી ઓફ ધ યર
મુંબઈ: 2023નું વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે, Zomato એ વર્ષ દરમિયાન પ્લેટફોર્મ પર ફૂડ-ઓર્ડરિંગ અંગે રસપ્રદ આંકડા જાહેર કર્યા છે. જેને કારણે મુંબઈનો એક શખ્સ સ્પોટલાઈટમાં આવ્યો છે, જેણે વર્ષ દરમિયાન Zomato ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પર 3,580 ઓર્ડર આપ્યા હતા, એટલે કે દરરોજના નવ કરતાં વધુ ઓર્ડર આપ્યા હતા. Zomatoએ હેનીસ નામના શખ્સને ‘ફૂડી ઓફ ધ યર’ જાહેર કર્યો છે.
મુંબઈમાં અન્ય એક શખ્સને એક દિવસમાં 121 ઓર્ડર્સ આપવા બદલ Zomatoના વાર્ષિક અહેવાલમાં સ્થાન મળ્યું છે. અન્ય શહેરોના વધુ રસપ્રદ અહેવાલો શેર કરતાં, ઝોમેટોએ જણાવ્યું હતું કે બેંગલુરુમાં સૌથી વધુ સંખ્યામાં નાસ્તાના ઓર્ડર નોંધાયા હતા જ્યારે દિલ્હીમાં મોડી રાતના સૌથી વધુ ઓર્ડર મળ્યા હતા.
બેંગલુરુના એક વ્યક્તિએ ઝોમેટોને આ વર્ષે મળેલો સૌથી મોટો ઓર્ડર આપ્યો, આ ઓર્ડરની કિંમત રૂ. 46,273 હતી. શહેરના અન્ય કસ્ટમરે Zomato દ્વારા રૂ. 6.6 લાખના 1,389 ગિફ્ટ ઓર્ડર મોકલ્યા હતા.
આ વર્ષે ફૂડ-ઓર્ડરિંગ ટ્રેન્ડ મુજબ, બિરયાની અને પિઝાના સૌથી વધુ ઓર્ડર મળ્યા હતા. આ વર્ષે ઝોમેટો પર 10.09 કરોડથી વધુ બિરયાનીના ઓર્ડર અને 7.45 કરોડથી વધુ પિઝાના ઓર્ડર આપવામાં આવ્યા હતા.
ઝોમેટોએ તારણ કાઢતા જણાવ્યું હતું કે 2023ના વર્ષમાં મળેલા બિરયાનીના કુલ ઓર્ડરથી દિલ્હીના આઠ કુતુબ મિનાર બની શકે અને કુલ પિઝાથી કોલકાતાના પાંચ ઈડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમના વિસ્તારને આવરી શકાય.
નૂડલ બાઉલ્સના 4.55 કરોડથી ઓર્ડર સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. આટલા નૂડલ્સને પૃથ્વીના પરિઘને ફરતે 22 વખત લપેટી શકાય.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના યર-એન્ડર રિપોર્ટ અનુસાર, સ્વિગી પર પણ સતત આઠમા વર્ષે બિરયાની સૌથી વધુ ઓર્ડર આપવામાં આવતી વાનગી રહી છે. ભારતે 2023માં પ્રતિ સેકન્ડ 2.5 બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. હૈદરાબાદના એક વ્યક્તિએ આ વર્ષે 1,633 બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. હૈદરાબાદે સ્વિગી પર સૌથી વધુ બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો.