ઝીકાનો ખતરો: મહારાષ્ટ્રમાં કેસ નોંધાયા બાદ કેન્દ્રએ રાજ્યોને એડવાઈઝરી મોકલી, કહી આ વાત
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાંથી ઝીકા વાયરસ(Zika Virus)ના ચેપના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. એવામાં આજે બુધવારે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે ઝીકા વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યોને એક એડવાઈઝરી મોકલી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ચેપગ્રસ્ત સગર્ભા સ્ત્રીઓની સ્ક્રીનીંગ દ્વારા સતત તકેદારી રાખવા કહ્યું છે.
રાજ્યોને એવી સુચનાઓ આપવામાં આવી છે કે જે સગર્ભા સ્ત્રીઓની વાયરસનો ચેપ લાગ્યો હોય, એવી માતાઓના સ્વાસ્થ્ય અને ભ્રૂણના વિકાસ પર સ્ક્રિનિંગ દ્વારા દેખરેખ રાખવામાં આવે.
આરોગ્ય મંત્રાલયે હેલ્થ એન્ડ વેલફેરે એડવાઈઝરીમાં જણાવ્યું કે “ઝિકા અસરગ્રસ્ત સગર્ભા મહિલાના ગર્ભમાં માઇક્રોસેફલી અને ન્યુરોલોજીકલ પરિણામો સાથે સંકળાયેલ હોવાથી, રાજ્યોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નજીકથી દેખરેખ રાખવા માટે ક્લિનિશિયનોને ચેતવણી આપે. રાજ્યોને વિનંતી કરવામાં આવે છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ અથવા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કેસોની દેખરેખ રાખતી સંસ્થાઓને સૂચનો આપવામાં આવે કે જેને વાયરસનો ચેપ લાગ્યો હોય એ સગર્ભા સ્ત્રીઓના ગર્ભના વિકાસ પર દેખરેખ રાખવામાં આવે.’
આરોગ્ય મંત્રાલયે રહેણાંક વિસ્તારો, શાળાઓ, કન્સ્ટ્રકશન સાઈટ્સ, સંસ્થાઓ અને આરોગ્ય સુવિધાઓમાં એન્ટોમોલોજિકલ સર્વેલન્સને મજબૂત બનાવવા અને વેક્ટર નિયંત્રણ પ્રવૃત્તિઓને વધુ તીવ્ર બનાવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો છે.
એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું કે “રાજ્યોએ લોકોમા જાગૃતિ ફેલાવવા સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે, ઝિકા એ અન્ય કોઈપણ વાયરલ ચેપની જેમ જ છે જેમાં મોટાભાગના કેસો એસિમ્પટમેટિક અને હળવા હોય છે. જો કે, તે માઇક્રોસેફલી સાથે સંકળાયેલ હોવાનું નોંધાયું છે, 2016 થી દેશમાં કોઈપણ ઝીકા-સંબંધિત માઇક્રોસેફલીનો કોઈ અહેવાલ નોંધવામાં આવ્યો નથી.”
સમયસર તપાસ અને નિયંત્રણ માટે, રાજ્ય પ્રશાસનને વધુ સતર્ક રહેવાની અને દરેક સ્તરે યોગ્ય લોજિસ્ટિક્સની ઉપલબ્ધતાની તૈયારી અને ખાતરી કરવા માટે સલાહ આપવામાં આવી છે.
રાજ્યોને એવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ કેસ જોવા મળે તો તરત જ ઈન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (LDSP) અને નેશનલ સેન્ટર ફોર વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ (NCVBDC)ને જાણ કરવામાં આવે.
Also Read –