ભારતીય રેલવેનું ઝીરો કાર્બન ઉત્સર્જન અભિયાન

મુંબઈ: ગ્લોબલ વોર્મિંગને કારણે પર્યાવરણીય સંરક્ષણને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે મજબૂત રીતે શૂન્ય કાર્બન ઉત્સર્જન તરફ આગળ વધી રહી છે. એવું કહેવામાં આવ્યું હતું કે 2024 સુધીમાં દેશમાં 100 ટકા રેલવે લાઈનોનું વીજળીકરણ થઈ જશે. ભારતીય રેલવેએ 2030 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જન સાથે વિશ્ર્વની સૌથી મોટી ગ્રીન રેલવે બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ હેઠળ 2024માં ઇલેક્ટ્રિક લોકોમોટિવ ટ્રેનોમાં સંપૂર્ણ પરિવર્તન થશે. એટલું જ નહીં ઈલેક્ટ્રિક એન્જિન અને હાઈડ્રો ઈંધણથી ટ્રેનો ચલાવવાની યોજના છે. આ માટે તાજેતરમાં એક અમેરિકન કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે. 2030 સુધીમાં ટ્રેનોમાં તેમજ સ્ટેશનો પર મુખ્યત્વે નોન-રિન્યૂએબલ ઊર્જા સ્ત્રોતો દ્વારા ગ્રીન એનર્જી સપ્લાય કરવાનો લક્ષ્યાંક છે. નોંધનીય છે કે રેલવે ટ્રેક પર ઝીરો કાર્બન ઉત્સર્જન અભિયાન ચલાવવાની સાથે રેલવે બોર્ડે તેના અધિકારીઓને પર્યાવરણની સુરક્ષા અને સંરક્ષણ માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાની પણ સૂચના આપી હતી. રેલવે બોર્ડે ભારતીય રેલવેના તમામ ઉચ્ચ અધિકારીઓને પત્ર મોકલીને ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા અથવા ભાડે લેવાની સલાહ આપી હતી, પણ ડિસેમ્બર 2021માં આપવામાં આવેલી આ સૂચનાનું પાલન હજી થતું નથી.