જૂની અદાવતને લઇ દાતરડાથી યુવકના હાથ કાપી નાખ્યા: ત્રણની ધરપકડ
થાણે: મુરબાડ તાલુકામાં જૂની અદાવતને લઇ દાતરડાથી 27 વર્ષના યુવકના હાથ કાપી નાખવા બદલ મુરબાડ પંચાયત સમિતિના ભૂતપૂર્વ પદાધિકારી સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ શ્રીકાંત ધુમાળ, સુનીલ મ્હડસે અને નિકેશ આહિરે તરીકે થઇ હોઇ કોર્ટે તેમને પોલીસ કસ્ટડી ફટકારી હતી. આ કેસમાં અગાઉ શ્રીકાંત ધુમાળના સંબંધી અંકુશ ખારીક તેમ જ નીતિન ધુમાળની ધરપકડ કરાઇ હતી.
મુરબાડના દેવપે ગામમાં રહેનારો સુશિલ ભોઇર (27) પંચાયત સમિતિના ભૂતપૂર્વ પદાધિકારી શ્રીકાંત ધુમાળ માટે બાઉન્સર તરીકે કામ કરતો હતો. જોકે બાદમાં ધુમાળ સાથે થયેલા વિવાદને લઇ ભોઇરે નોકરી છોડી દીધી હતી, જેને કારણે ધુમાળના મનમાં ભોઇર માટે રોષ હતો. ધુમાળનો આ વિસ્તારમાં સારો પ્રભાવ હોવાથી તે મુશ્કેલી ઊભી કરી શકે છે એ ડરથી ભોઇર નોકરી છોડ્યા બાદ અન્ય ગામમાં રહેવા જતો રહ્યો હતો.
15 ડિસેમ્બરે ભોઇર પોતાના જૂના ઘરે આવ્યો હતો, જેની જાણ ધુમાળને થતાં તે પોતાના બે સાથીદાર અંકુશ ખાડીલકર અને નીતિન સાથે ત્યાં પહોંચી ગયો હતો અને દેપવે ગામમાં રિક્ષામાં જઇ રહેલા ભોઇરને આંતર્યો હતો. ભોઇરની ત્યાં મારપીટ કરવામાં આવી હતી અને બાદમાં નીતિને દાતરડાના ઘા ઝીંકીને ભોઇરના હાથ કાપી નાખ્યા હતા. બાદમાં ત્રણેય ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
દરમિયાન ભોઇરને સારવાર માટે પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને બાદમાં તેને મુંબઈની હોસ્પિટલમાં ખસેડાયો હતો.