બાન્દ્રામાં સ્ટન્ટ કરતી વખતે બાઈક પરથી પટકાયેલો યુવક પકડાયો: 50 રફુચક્કર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રામાં સી-લિંક નજીક બાઈક રેસિંગની ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે રવિવારે મળસકે 50 યુવાન બાઈક પર સ્ટન્ટ કરતા હોવાની માહિતી સામે આવી હતી. જોકે પોલીસથી બચવાના પ્રયાસમાં બાઈક પરથી પટકાયેલો યુવક પકડાઈ ગયો હતો, જ્યારે 50 બાઈકસવાર પલાયન કરી ગયા હતા.
બાન્દ્રામાં રેલવે બ્રિજથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અમુક બાઈકસવારો બેજવાબદારીથી બાઈક ચલાવી સ્ટન્ટ કરી રહ્યા છે, જેને કારણે અન્ય વાહનચાલકોના જીવને જોખમ હોવાની માહિતી પોલીસ ક્ધટ્રોલ રૂમને મળી હતી. રવિવારના મળસકે 3.15 વાગ્યે ક્ધટ્રોલ રૂમમાંથી કૉલ આવતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે પોલીસ પહોંચી ત્યારે 50થી વધુ યુવાન બાઈક પર સ્ટન્ટ કરી રહ્યા હતા. પોલીસને જોઈ બાઈકસવારો ફરાર થઈ ગયા હતા, જેમાંથી અમુકને ખાર પોલીસે તાબામાં લીધા હોવાનું કહેવાય છે.
અમુક યુવાનો બાન્દ્રા પશ્ર્ચિમમાં રેક્લેમેશન તરફ બાઈક પૂરપાટ દોડાવી રફુચક્કર થયા હતા, જેમાંથી એક યુવક બાઈક પરથી નીચે પટકાયો હતો. પૂછપરછમાં તેણે પોતાની ઓળખ મીરા રોડમાં રહેતા રાજકુમાર કનોજિયા (21) તરીકે આપી હતી. બાઈક પરથી પટકાવાને કારણે કનોજિયા ઘવાયો હતો. સારવાર માટે તેને ભાભા હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.
પ્રાથમિક સારવાર બાદ તાબામાં લઈ બાન્દ્રા પોલીસે તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કનોજિયાની બાઈક પણ જપ્ત કરી હતી. બાઈકને મોડિફાય કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.