આમચી મુંબઈ

મોબાઈલ પરથી થયેલા વિવાદમાં યુવાનને બીજે માળેથી ધકેલી દીધો…

મુંબઈ: મોબાઈલ પર મોટા અવાજે વાતચીત કરવા પરથી થયેલા વિવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગના બીજા માળેથી યુવાનને ધકેલી દીધો હોવાની ઘટના કાંદિવલીમાં બની હતી. આ પ્રકરણે પોલીસે હત્યાનો ગુનો નોંધી સહકર્મચારીની ધરપકડ કરી હતી. કાંદિવલી પશ્ચિમમાં સાંઈબાબા નાગર ખાતે બનેલી ઘટનામાં મૃતકની ઓળખ જિતેન્દ્ર ચવ્હાણ તરીકે થઈ હતી. ચવ્હાણની હત્યાના આરોપસર તેની સાથે જ કામ કરનારા અફસર ઝમીરુદ્દીન આલમ (25)ની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

ચવ્હાણ અને આલમ સાંઈબાબા નગર ખાતેની નિર્માણાધીન ઈમારતમાં કામ કરતા હતા. 12થી 13 કારીગરોનું જૂથ રાતે બિલ્ડિંગમાં જ સૂઈ રહેતું હતું. મળતી માહિતી અનુસાર સોમવારે રાતે કામ પત્યા પછી આલમ અને ચવ્હાણ બિલ્ડિંગના બીજા માળે બેઠા હતા. ચવ્હાણ મોબાઈલ ફોન પર ક્રિકેટ મૅચ જોતો હતો ત્યારે આલમ તેની પાસે તમાકુ માગવા આવ્યો હતો. ચવ્હાણે તમાકુ ન આપતાં આલમને ગુસ્સો હતો.

કહેવાય છે કે રાતે 10 વાગ્યાની આસપાસ ચવ્હાણ કોઈની સાથે ફોન પર મોટા અવાજે વાત કરતો હતો. આલમે તેને ટોકતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. રોષમાં આવી આલમે ચવ્હાણને ધક્કો મારતાં તે બીજા માળેથી નીચે પટકાયો હતો. જમીન પર પટકાયેલા ચવ્હાણને શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

બનાવની જાણ થતાં કાંદિવલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આલમને તાબામાં લઈ પૂછપરછ કરી હતી. પછી હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આપણ વાંચો : ગેરકાયદે બાંધકામો તોડનાર અધિકારીઓની બદલી કેમ? પાલિકાના એન્જિનિયરો ભડક્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button