આમચી મુંબઈ

ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવાનની હત્યા: આરોપી પાંચ કલાકમાં પકડાયો

થાણે: ઉલ્હાસનગરમાં જૂના વિવાદને પગલે ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવાનની કથિત હત્યા કરવાના કેસમાં પોલીસે પાંચ કલાકમાં જ આરોપીને કલ્યાણમાં પકડી પાડ્યો હતો.

મળેલી માહિતીને આધારે પોલીસે ગુરુવારની રાતે ઉલ્હાસનગરમાં થયેલી હત્યાના કેસમાં આરોપી ગુરવ કિરણ ઉદનશિવે (23)ની ધરપકડ કરી હતી, એવું થાણે પોલીસના પ્રવક્તા શૈલેષ સાળવીએ જણાવ્યું હતું.

રાહદારીઓની ભીડ વચ્ચે એક શખસ પર હુમલો થયો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર જખમી ભરત શ્યામલાલ દુસેજા (35)ને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો : થાણેમાં હરણનો શિકાર કરવા બદલ યુવકની ધરપકડ

દુસેજાના ચહેરા, ગરદન અને છાતી પર ચાકુના અનેક ઘા ઝીંકવામાં આવ્યા હતા. આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (હત્યા) અને મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ હેઠળ અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસને ઉલ્હાસનગરના ઈન્દિરા નગર ખાતે રહેતો આરોપી પત્ની સાથે ફરાર થવાની તૈયારીમાં હોવાની માહિતી મળી હતી. માહિતીને આધારે પોલીસે કલ્યાણ રેલવે સ્ટેશને છટકું ગોઠવી પાંચ કલાકમાં જ આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button