અનૈતિક સંબંધની શંકા પરથી યુવકની હત્યા કરી, મૃતદેહ મીઠી નદીમાં ફેંક્યો: ત્રણ જણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અનૈતિક સંબંધની શંકા પરથી યુવકની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ મીઠી નદીમાં ફેંકી દેવા બદલ ક્રાઇમ બ્રાન્ચે ગોવંડીના ત્રણ રહેવાસીની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ નફીસ શરાફત ખાન ઉર્ફે કક્કી (36), મૂકેશ શ્યામનારાયણ પાલ (25) અને મોહંમદ સાકીર સેદ ઉર્ફે જસ્તીન (23) તરીકે થઇ હોઇ તેમની પાસેથી શસ્ત્રો તથા ગુનામાં વાપરેલી રિક્ષા જપ્ત કરવામાં આવી હતી, એમ પોલીસે કહ્યું હતું.
કુર્લા પશ્ચિમમાં મીઠી નદીમાંથી 5 જાન્યુઆરીએ અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આથી કુર્લા પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-5ની ટીમ પણ આ મામલે સમાંતર તપાસ કરાઇ રહી હતી અને પોલીસ ટીમે મૃતકની ઓળખ મેળવવા માટે આજુબાજુના વિસ્તારમાં પૂછપરછ કરી હતી. દરમિયાન મૃતકની ઓળખ અમાન અબ્દુલ કરીમ શેખ (23) તરીકે થઇ હતી, જે ગોવંડીના બેંગનવાડીમાં રહેતો હતો.
અમાન 4 જાન્યુઆરીથી ગુમ થયો હતો અને પરિવારજનો શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, એવું પોલીસને જાણવા મળ્યું હતું. અમાન જે લોકોના સંપર્કમાં હતો તેમની માહિતી મેળવાઇ હતી અને બાદમાં શંકાને આધારે ત્રણ જણને તાબામાં લેવાયા હતા. પૂછપરછમાં તેમણે અમાનની હત્યા કર્યાનું સામે આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી નફીસ ખાન પાસે સાતથી આઠ રિક્ષા હોઇ મૃતક અમાન તેની રિક્ષા ચલાવતો હતો અને ભાડાના પૈસા આપવા તેના ઘરે આવતો હતો. દરમિયાન નફીસને શંકા હતી કે તેની પત્ની અને અમાન વચ્ચે અનૈતિક સંબંધ છે. આથી તેણે અમાનને પોતાના ઘરે બોલાવ્યો હતો, જ્યાં મળસકે તેની હત્યા કરી હતી અને બાદમાં મૃતદેહ રિક્ષામાં લઇ જઇને મીઠી નદીમાં ફેંકી દીધો હતો.