કલ્યાણમાં ધુળેટીની ઉજવણીમાં યુવાનનું મોત: ત્રણની ધરપકડ…

થાણે: ધુળેટીની ઉજવણી દરમિયાન શરીરમાં પાણીના ભરાવાને કારણે યુવાનનું મોત નીપજ્યું હોવાની ઘટના થાણે જિલ્લાના કલ્યાણમાં બની હતી. પોસ્ટમોર્ટમના અહેવાલમાં થયેલા ખુલાસાને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ જણની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : નાશિકમાં જૂની અદાવતને લઇ ટોળાએ બે ભાઇને મોતને ઘાટ ઉતાર્યા…
કલ્યાણ તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સુરેશ કદમે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ સત્યપ્રકાશ ઉપાધ્યાય તરીકે થઈ હતી. કલ્યાણના વરપ ગામમાં 14 માર્ચે ધુળેટી નિમિત્તે યુવાનોનું ટોળું એકબીજાને કલર લગાવવાની સાથે પાણી રેડી રહ્યું હતું. ઉપાધ્યાય પણ ધુળેટી રમતો હતો ત્યારે કૃષ્ણ સિંહ, સૌરભ ચંદા અને મનીષ સિંહ સાથે તેનો વિવાદ થયો હતો.
ત્રણેય આરોપીએ બળજબરીપૂર્વક પાણીની પાઈપ ઉપાધ્યાયના ગુપ્તાંગમાં ખોસી ફોર્સ સાથે પાણી છોડ્યું હતું. પાણી ગુપ્તાંગ વાટે તેના શરીરમાં ગયું હતું, જેને કારણે તેને આંતરિક ઇજા થઈ હતી.
ગંભીર હાલતમાં ઉપાધ્યાયને ઉલ્હાસનગરની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. વધુ સારવાર માટે તેને બાદમાં મુંબઈની કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં 17 માર્ચે તેનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમના અહેવાલમાં ફોર્સ સાથે પાણી શરીરમાં પ્રવેશવાને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું નોંધવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : બાન્દ્રાની ઑફિસમાંથી 1.90 કરોડના હીરાજડિત દાગીના ચોરનારા પકડાયા
પોસ્ટમોર્ટમના અહેવાલને આધારે પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની હત્યા સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે કૃષ્ણ સિંહ, સૌરભ ચંદા અને મનીષ સિંહની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)