જૂની અદાવતને લઇ દાતરડાથી યુવકના હાથ કાપી નાખ્યા: ત્રણ જણ સામે ગુનો
થાણે: મુરબાડ તાલુકામાં જૂની અદાવતને લઇ દાતરડાથી 27 વર્ષના યુવકના હાથ કાપી નાખવા બદલ પંચાયત સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ સહિત ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
થાણે ગ્રામીણ પોલીસે શનિવારે ત્રણમાંથી બે જણની ધરપકડ કરી હતી, જ્યારે ત્રીજા આરોપીની શોધ ચલાવવામાં આવી રહી છે.
મુરબાડ તાલુકાના ગામમાં રહેનારા સુશિલ ભોઇર પંચાયત સમિતિના ભૂતપૂર્વ પદાધિકારી શ્રીકાંત ધુમાળ માટે બાઉન્સર તરીકે કામ કરતો હતો. જોકે બાદમાં ધુમાળ સાથે થયેલા વિવાદને લઇ ભોઇરે નોકરી છોડી દીધી હતી, જેને કારણે ધુમાળના મનમાં ભોઇર માટે રોષ હતો.
ધુમાળનો આ વિસ્તારમાં સારો પ્રભાવ હોવાથી તે મુશ્કેલી ઊભી કરી શકે છે એ ડરથી ભોઇર નોકરી છોડ્યા બાદ અન્ય ગામમાં રહેવા જતો રહ્યો હતો.
શુક્રવારે ભોઇર પોતાના જૂના ઘરે આવ્યો હતો, જેની જાણ ધુમાળને થતાં તે પોતાના બે સાથીદાર અંકુશ ખાડીલકર અને નીતિન ધુમાળ સાથે ત્યાં પહોંચી ગયો હતો અને દેપાવે ગામમાં રિક્ષામાં જઇ રહેલા ભોઇરને આંતર્યો હતો.
ભોઇરની ત્યાં મારપીટ કરવામાં આવી હતી અને બાદમાં નીતિને દાતરડાના ઘા ઝીંકીને ભોઇરના હાથ કાપી નાખ્યા હતા. બાદમાં ત્રણેય ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
દરમિયાન ભોઇરને સારવાર માટે પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને બાદમાં તેને મુંબઈની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ ઘટના બાદ મુરબાડ પોલીસે ત્રણ જણ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને નીતિન તથા અંકુશની ધરપકડ કરી હતી. પોલીસે ગુનામાં વપરાયેલું દાંતરડુ તથા કાર જપ્ત કરી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.