ગર્લફ્રેન્ડની હત્યા બાદ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરનારા યુવકનો મૃતદેહ મળ્યો

થાણે: નવી મુંબઇમાં 19 વર્ષની ગર્લફ્રેન્ડની ગળું દવાબીને હત્યા કર્યા બાદ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરનારા 22 વર્ષના યુવકનો મૃતદેહ શુક્રવારે પોલીસ અને અગ્નિશમન દળના જવાનોને મળી આવ્યો હતો.
વાઘોળી વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે સ્વસ્તિક પાટીલનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો અને તેને બાદમાં પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો, એમ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર મયૂર ભૂજબળે જણાવ્યું હતું.
પનવેલ વિસ્તારના રહેવાસી સ્વસ્તિક પાટીલની ઓળખાણ સીવૂડ વિસ્તારમાં રહેતી અને નેરુળની કોલેજમાં ભણતી ભાવિકા મોરે (19) સાથે બે વર્ષ અગાઉ સોશિયલ મીડિયા મારફત થઇ હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે થોયા સમયથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને તેઓ એકબીજાના સંપર્કમાં નહોતાં.
આ પણ વાંચો: નવી મુંબઇમાં જ્વેલરી સ્ટોરમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ, જુઓ વીડિયો
બુધવારે બપોરે બંને જણ સીવૂડ નજીક ડીપીએસ સ્કૂલ પાછળ મળ્યાં હતાં, જ્યારે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આથી ઉશ્કેરાયેલા પાટીલે ગળું દબાવીને ભાવિકાની હત્યા કરી હતી અને તેનો મૃતદેહ તળાવમાં ફેંકી દીધો હતો. બાદમાં પાટીલે પણ બ્રિજ પરથી તળાવમાં ઝંપલાવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન બનાવની જાણ થતાં એનઆરઆઇ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ભાવિકાનો મૃતદેહ તળાવ તરફ જતા નાળામાંથી મળ્યો હતો, જેને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો. માછીમારો અને અન્ય ટીમ દ્વારા પાટીલની શોધ ચલાવવામાં આવી હતી અને શુક્રવારે વહેલી સવારે તેનો પણ મૃતદેહ મળી આવ્યો હતો