યુપીએસસીની પરીક્ષા પાસ ન કરી શકનારા યુવાને બિલ્ડિંગના આઠમા માળેથી પડતું મૂક્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: યુપીએસસીની પરીક્ષા પાસ ન કરી શકનારા કચ્છી લોહાણા સમાજના યુવાને હતાશામાં બિલ્ડિંગના આઠમા માળેથી કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના થાણેમાં બની હતી. પોલીસને મૃતકના ઘરમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેણે પરિવારના સભ્યોની માફી માગી તેમની ઊંચી અપેક્ષાઓ પૂર્ણ ન કરી શકવાનો ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
વર્તક નગર પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની રાતે 8.30 વાગ્યાની આસપાસ થાણેમાં જ્યુપિટર હૉસ્પિટલ નજીકની ઈમારત ખાતે બની હતી. મૃતકની ઓળખ દીપ સુરેશ ઠક્કર (28) તરીકે થઈ હતી. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
દીપના મિત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની પરીક્ષા ક્લિયર ન કરી શકવાને કારણે દીપ ડિપ્રેશનમાં આવી ગયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
થાણેની વસંત લૉન્સ ઈમારતના આઠમા માળે આવેલા ફ્લૅટમાં દીપ ઠક્કર માતા-પિતા અને મોટા ભાઈ સાથે રહેતો હતો. શનિવારની રાતે તેણે બેડરૂમની બારીમાંથી કૂદકો માર્યો હતો. જમીન પર પટકાયેલા દીપને બેભાન અવસ્થામાં નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસને દીપના ઘરમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં ‘આ દુનિયામાં મારા માટે રહેવું દુષ્કર બની ગયું છે… મારા માતા-પિતા, ભાઈ અને દરેકની હું માફી માગું છું. હું તેમની ઊંચી આશાઓ પૂરી કરી શકું એમ નથી. હું તેમને પ્રેમ કરું છું અને મારા મૃત્યુ માટે કોઈને જવાબદાર ન ઠેરવવા’ એવું લખ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે.