તમે માલિક છો અને બાકીના ભાડૂઆતો છે: રાજ ઠાકરે
મુંબઈ: તમે માલિક છો અને બાકીના બધા ભાડૂઆતો છે એ વાતને ધ્યાનમાં રાખો. તમારા હકને જવા ન દો, એવું મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. સ્થાનિક મરાઠી-પરપ્રાંતીય, મરાઠી પાટિયાં અને માંસાહારી-શાકાહારી મુદ્દા પર છેલ્લા અનેક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે એવામાં રાજ ઠાકરેએ ધ્યાન દોરનારું વક્તવ્ય કર્યું છે.
મનસે દ્વારા લાલબાગ ખાતે કોંકણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવનો સોમવારે ત્રીજો દિવસ હતો. રાજ ઠાકરેએ સોમવારે મહોત્સવમાં હાજરી આપી હતી. એ સમયે હાજર લોકો સાથે તેમણે વાતચીત કરી હતી. રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે હું નાનો હતો ત્યારથી આ ઠેકાણે અનેક વાર અહીં આવ્યો છું. આજે પણ એવી જ મટનની સુગંધ આવે છે. આવા મેળાઓ મરાઠી લોકોનું અસ્તિત્વ છે. બહારથી કેટલા પણ લોકો આવે, પણ તમારું લોહી મરાઠી વિસ્તારમાં આવી રીતે જ વહેતું રહેવું જોઇએ. તમે માલિક છો અને બાકીના ભાડૂઆતો છે, એ વાતને કદી ભૂલશો નહીં.
પાંચ રાજ્યોનાં ચૂંટણીનાં પરિણામ આપણી સમક્ષ આવી ગયાં છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી થશે. આ ઢોલ-નગારાંના અવાજ કરતાં મારો ઢોલ જોરમાં વાગશે. અમુક જણને તેનો ત્રાસ થશે, એવું કહીને તેમણે કહ્યું હતું કે આગામી લોકસભામાં મનસે ઉમેદવારોને મેદાનમાં ઉતારશે, એવો પણ તેમણે સંકેત આપ્યો હતો.