…છતાં પણ મારા આલોચકોના સપનામાં હું આવું છુંઃ આમ કેમ કહ્યું ઠાકરેએ
મુંબઈ: શિવસેના (UBT)ના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે પક્ષના નેતાઓ સાથે વાતચીત કરતા બળવો કરીને સત્તામાં બેસી ગયેલા ભૂતપૂર્વ વિધાનસભ્યો તેમ જ 25 વર્ષની જેમની સાથે યુતિ હતી તે ભાજપના નેતાઓને નામ લીધા વિના મેણા માર્યા હતા. મહારાષ્ટ્રના રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તે તેમના સાથી વિધાનસભ્યોનું નામ લીધા વિના ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મારા પક્ષનું નામ અને ચૂંટણી ચિહ્ન ચોરી લીધા બાદ પણ મારા ટીકાકારોના સપનામાં હું આવું છું કારણ કે તેઓ જાણે છે કે હું એકલો નથી, મહારાષ્ટ્રની જનતા મારી સાથે છે.
ઉદ્ધવ ઠાકરેએ પોતાના બાન્દ્રાના નિવાસસ્થાન માતોશ્રી ખાતે કાર્યકર્તાઓની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે વાત કરતા જણાવ્યું હતું કે પક્ષનું ચિહ્ન, નામ બધું જ ચોરી કરી લીધા પછી પણ હું ટીકા કરનારાઓના સપનામાં આવું છું કારણ કે તેઓ જાણે છે કે રાજ્યની જનતા મારી સાથે છે.
તાજેતરમાં જ થાણે જિલ્લામાંથી એકનાથ શિંદે સાથે જોડાયેલા અમુક કાર્યકર્તાઓએ ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે ફરી જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાના અહેવાલો વચ્ચે તેમણે જણાવ્યું હતું કે પ્રેમ અને લાગણી વેચવા માટે નથી. આ લાગણીઓને ખરીદી શકાતી નથી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગઢ ગણાતા થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં કેટલાક રાજકીય કાર્યકરો ફરી શિવસેના (યુબીટી)માં જોડાયા હોવાનો ઉલ્લેખ કરતાં ઠાકરેએ કહ્યું કે લડાઈ ચાલુ રહેશે પરંતુ વફાદાર લોકો સાથે રહીને જ જંગ જીતી શકાશે.
શિંદે સહિતના ધારાસભ્યોના બળવા બાદ મહાવિકાસ આઘાડી (MVA) સરકાર પડી ગયા પછી શિવસેના જૂન 2022 માં વિભાજિત થઈ હતી. શિંદેના સંગઠનને ચૂંટણી પંચ દ્વારા શિવસેના અને ચૂંટણી પ્રતીક ધનુષ બાણ નામ આપવામાં આવ્યું હતું.