મુંબઈગરાઓ આવતીકાલે વરસાદ રજા નહીં રાખેઃ જાણો લેટેસ્ટ ફોરકાસ્ટ…

મુંબઈઃ દેશમાંથી વરસાદ 15 સપ્ટેમ્બર બાદ વિદાય લેશે તેવા અહેવાલો વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જતા જતા આવજો કહેવા આવતો વરસાદ આવતીકાલથી પડવાનો હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
એટલું જ નહીં પણ મુંબઈ સહિત મહારાષ્ટ્રના અમુક ભાગોમાં રવિવાર અને સોમવારે યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આથી આવતીકાલે અને સોમવારે મુંબઈગરાઓએ ફરી ધ્યાન રાખવું પડશે.
જોકે આવતીકાલે રવિવારની રજા હોવાથી તંત્રને થોડી રાહત હશે, પરંતુ સોમવારે જો વરસાદી માહોલ યથવાત રહ્યો અને રેલવે સહિતની સેવાઓને અસર થઈ તો કામના પહેલા દિવસે સમસ્યાઓ ઊભી થવાની સંભાવના છે.
ગરમી બાદ ફરી ઠંડક
છેલ્લાં ઘણા દિવસથી વરસાદે હાજરી ન હતી નોંધાવી. મુંબઈમાં વાતાવરણ ગરમ રહેતું હતુ અને ગરમીનો પારો 28થી 30 ડિગ્રી આસપાસ રહેતો હતો. ત્યારે હવે હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી અનુસાર શહેરમાં આવતીકાલે અને સોમવારે ભારે વરસાદની આગાહી છે.
માત્ર મુંબઈ નહીં પુણે શહેરમાં પણ વરસાદી માહોલ રહેશે. પુણેમાં આજે પણ અમુક ભાગોમાં વરસાદે હાજરી નોંધાવી છે. પુણેમાં ચાર દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પુણે સહિત રાજ્યભરમાં વરસાદનો માહોલ
આ ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય ભાગોની વાત કરીએ તો કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્રના અને વિદર્ભના અમુક ભાગોમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં અગાઉ પણ સિઝનનો સારો વરસાદ વરસ્યો છે. મોટાભાગના જળાશયોમાં પાણી છે.
આ સાથે અમુક ભાગોમાં ખેતીને પણ ઘણું નુકસાન ગયું છે. હવે 13થી 17 સપ્ટમ્બર દરમિયાન ફરી ભારે વરસાદની આગાહી થતા તંત્ર અને સામાન્ય જનતા તેમ જ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
જોકે સમગ્ર દેશની વાત કરીએ તો તેલંગણા, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનના અમુક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી થોડો ઉઘાડ જોવા મળી રહ્યો છે, તે પહેલા બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો હતો.
જોકે વરસાદ સારો જતા એકંદરે ખેડૂતોને રાહત છે, સાથે પીવાના પાણી અને પશુઓના ઘાસચારાની સમસ્યા નહીં સર્જાય તે પણ નક્કી છે.
આ પણ વાંચો…મુંબઈગરાઓ તૈયાર રહેજોઃ આ દિવસોમાં ફરી ધોધમાર વરસાદ પડવાની શક્યતા