યહ તો અભી ટ્રેલર હૈ… હમારી તાકત કો ઔર મત પરખો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘યહ તો અભી ટ્રેલર હૈ… હમારી તાકત કો ઔર મત પરખો… ઈસકે બાદ ગોલિયાં ખાલી ઘર પર નહીં ચલેંગે…’ જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના ભાઈ અનમોલ બિશ્ર્નોઈના ફેસબુક પેજ પર મૂકવામાં આવેલા ધમકીભર્યા મેસેજમાં આવા મતલબનું લખાણ હોવાનું પોલીસનું કહેવું છે.
બાન્દ્રામાં સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબારની ઘટનાના ગણતરીના કલાકો બાદ સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ ફેસબુક પરની એક પોસ્ટ વાયરલ થઈ હતી. આ ફેસબુક પોસ્ટ અનમોલ બિશ્ર્નોઈની હોવાનો દાવો કરાયો હતો. પોલીસ આ પોસ્ટ અંગે તપાસ કરી રહી છે.
કેટલાક શબ્દો ઈંગ્લિશ સાથે હિન્દીમાં લખાણવાળો આ મેસેજ સલમાન ખાનને ઉદ્દેશીને લખવામાં આવ્યો હતો. મેસેજના શરૂઆતમાં જય શ્રી રામ અને જય ભારત લખવામાં આવ્યું હતું. પછી હમ અમન ચાહતે હૈ. જુલ્મ કે ખિલાફ ફૈસલા અગર જંગ સે હો તો જંગ હી સહી. સલમાન ખાન હમને યહ તુમ્હેં ટ્રેલર દિખાને કે લિયે કિયા હૈ. તાકિ તુમ સમઝ જાઓ… હમારી તાકત કો ઔર મત પરખો. યહ પહલી ઔર આખરી વૉર્નિંગ હૈ. ઈસકે બાદ ગોલિયાં ખાલી ઘર પર નહીં ચલેંગે ઔર જિસ દાઉદ ઈબ્રાહિમ ઔર છોટા શકીલ કો તુમને ભગવાન માન રખા હૈ ઉસકે નામ કે હમને દો કુત્તે પાલે હુયે હૈ. બાકી જ્યાદા બોલને કી મુઝે આદત નહીં… જય શ્રી રામ.
જોકે મેસેજની નીચે લૉરેન્સ બિશ્ર્નોઈ ગ્રુપ, ગોલ્ડી બ્રારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગુનાહિત ભૂતકાળ ધરાવતા અનમોલ વિરુદ્ધ ૧૮ જેટલા ગુના નોંધાયેલા છે. અગાઉ ધરપકડ કરાયેલા અનમોલને જોધપુરની જેલમાં રાખવામાં આવ્યો હતો. ૭ ઑક્ટોબર, ૨૦૨૧ના રોજ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.
કહેવાય છે કે ખોટી માહિતી રજૂ કરીને તેણે દિલ્હીથી પાસપોર્ટ મેળવ્યો હતો. બિશ્ર્નોઈ ગૅન્ગ દ્વારા ચલાવાતા ખંડણીના રૅકેટમાં પણ તેની સંડોવણી હોવાનું પોલીસનું કહેવું છે. અત્યારે તે કેનેડામાં હોવાનું પોલીસ માની રહી છે. તે વારંવાર યુએસ અને કેનેડામાં પોતાનું રહેઠાણ બદલતો હોવાની માહિતી પોલીસને મળી રહી છે.
શિંદેની સુરક્ષાની ખાતરી વિપક્ષીઓ દ્વારા સરકારની ટીકા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે એ બધાની વચ્ચે જાણીતા અભિનેતા સલમાન ખાનના બાંદ્રા ખાતેના નિવાસસ્થાનની બહાર બિશ્ર્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવેલા ગોળીબારને કારણે રાજકીય વાતાવરણ તંગ થયું છે. વિરોધીઓ દ્વારા સરકારની ટીકા કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને સલમાનની સુરક્ષાની ગેરેન્ટી આપી છે.
રવિવારે વહેલી સવારે ફિલ્મ અભિનેતા સલમાન ખાનના બાંદ્રામાં આવેલા ગેલેક્સી ઈમારતના નિવાસસ્થાનની બહાર બાઈક પર આવેલા અજ્ઞાત લોકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબાર બાદ રાજ્યના રાજકારણમાં તંગદિલી ફેલાઈ હતી. વિપક્ષ દ્વારા સરકાર પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતાં નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યના ગૃહ ખાતાના પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ પ્રકરણ પરથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે એવું તારણ કાઢવું અયોગ્ય છે. બનાવની તપાસ થઈ રહી છે અને માહિતી મળ્યા બાદ વિગતો આપવામાં આવશે.
નાગપુરમાં દિક્ષાભૂમિ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરને અંજલી આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે સલમાન ખાનના ઘર પર કરવામાં આવેલા હુમલાની તપાસ પોલીસ કરી રહી છે. આ પ્રકરણેે વિપક્ષો દ્વારા જે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હોવાની બૂમરાણ કરવામાં આવી રહી છે તે યોગ્ય નથી.
બીજી તરફ સલમાન ખાનના નિવાસ સ્થાન પર થેયલા હુમલા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમની સાથે ફોન પર વાત કરી હતી અને તેને સુરક્ષાની ખાતરી આપી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સલમાન ખાન સાથે ફોન પર વાત કરી હતી અને સુરક્ષા સંબંધે તેને ખાતરી આપી હતી. મુંબઈ પોલીસ સાથે ચર્ચા કરીને સલમાનના ઘરની બહાર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે કાયદાને હાથમાં લેનારા લોકોને માફ કરવામાં આવશે નહીં. સલમાન ખાન અને તેમના આખા પરિવારની સુરક્ષાનું આકલન કરવા અને આવશ્યક હોય તો સુરક્ષામાં વધારો કરવાનો આદેશ કમિશનરને આપવામાં આવ્યો છે. સલમાન ખાન સાથે વાત કરી છે કે સરકાર તેમની સાથે છે અને તેમને ચિંતા કરવાની આવશ્યકતા નથી.
શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતે રાજ્યના ગૃહ પ્રધાન ક્યાં છે એવો સવાલ ઉપસ્થિત કર્યો હતો અને પછી એવો કટાક્ષ કર્યો હતો કે તેઓ ૨૪ કલાક ઈલેક્શન મોડમાં જ જોવા મળે છે. ક્યારેક દિલ્હીમાં ચૂંટણી ઝુંબેશની બેઠકમાં તો ક્યારેક હરીફોને ખતમ કરવાનું કાવતરું ઘડવા બેઠેલા જોવા મળે છે. ભાજપમાંથી કાયદો અને વ્યવસ્થા પર કોણ ધ્યાન આપશે? એવો સવાલ કરતાં તેમણે ઉમેર્યું હતું કે મુંભઈ પોલીસ તો રાજકારણ કરી રહી નથી ને? સલમાન ખાનના ઘરની બહાર ગોળીઓ ચાલી છે તેના પરથી સંકેત આપવામાં આવ્યો છે કે મુંબઈ શહેરમાં ગમે ત્યારે ગમે ત્યાં ગોળીઓ ચાલી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે સલમાન ખાન પર ગોળીબાર પછી શિવસેના શિંદે જૂથના નેતા રાહુલ કનાલ અને બાબા સિદ્દીકી તેમને મળવા માટે ઘરે પહોંચ્યા હતા. સલમાન ખાન સુરક્ષિત હોવાનું નિવેદન તેમણે કર્યું હતું.
બીજી તરફ સલમાન ખાનના પિતા સલીમ ખાને કહ્યું હતું કે પરિવારને કોઈ ડર નથી. આ કામ કરનારાએ ફક્ત પબ્લિસીટી માટે કામ કર્યું છે. (એજન્સી)
સલમાનના નિવાસસ્થાન ફરતેની સુરક્ષામાં વધારો
મુંબઈ: છેલ્લા એક વર્ષથી અભિનેતા સલમાન ખાનને મળી રહેલી ધમકીથી પોલીસે તેની સુરક્ષામાં વધારો કર્યો હતો. અભિનેતાને વાય પ્લસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. એ સિવાય તેના પોતાના ખાનગી બૉડીગાર્ડ્સ પણ છે. જોકે રવિવારે બનેલી ગોળીબારની ઘટના પછી પોલીસે ગૅલેક્સી એપાર્ટમેન્ટ ફરતેની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો.
ગયા વર્ષના માર્ચમાં સલમાનની ઑફિસને એક ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હતો. મેઈલમાં સલમાનને ધમકી આપવામાં આવી હતી. તે સમયે બાન્દ્રા પોલીસે લૉરેન્સ બિશ્ર્નોઈ અને ગોલ્ડી બ્રાર સહિત અન્યો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે આર્ટિસ્ટ મૅનેજમેન્ટ કંપની ચલાવતા પ્રશાંત ગુંજાળકરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જોકે તે પહેલાં જૂન, ૨૦૨૨માં સલમાન ખાનના પિતા અને ફિલ્મ રાઈટર સલીમ ખાનને બાન્દ્રા બેન્ડસ્ટેન્ડની એક બૅન્ચ પરથી ચિઠ્ઠી મળી હતી. ચિઠ્ઠીમાં પંજાબના સિંગર સિધુ મૂસેવાલા સાથે જે થયું એવા હાલ સલમાનના પણ થશે, એવું લખવામાં આવ્યું હતું. ગૅન્ગસ્ટર લૉરેન્સે એક ન્યૂઝ ચૅનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સલમાન ખાનની હત્યાની ખૂલેઆમ ધમકી આપી હતી. તે સમયે લૉરેન્સે કહ્યું હતું કે સલમાને રાજસ્થાનમાં કાળિયારને માર્યું તે માટે તેણે માફી માગવી જોઈએ. માફી માગવા માટે તેણે બિકાનેરના મંદિરમાં જવું પડશે. જો સલમાન આવું નહીં કરે તો તેને મારી નાખવામાં આવશે, એવી ધમકી લૉરેન્સે આપી હતી.
શૂટરોએ બે દિવસથી પરિસરમાં રૅકી કરી?
મુંબઈ: બાન્દ્રાના ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર કરનારા શૂટરોએ બે દિવસથી સમગ્ર પરિસરની રૅકી કરી હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.
ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે બાઈક પર આવેલા બન્ને શખસ પ્રોફેશનલ શૂટર્સ હોવાનું જણાઈ રહ્યું છે. ગોળીબારની ઘટના ગૅલેક્સી એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી. ગોળીબાર પછી બન્ને શૂટર બાઈક પર પવન વેગે ફરાર થઈ ગયા હતા. ગૅલેક્સી એપાર્ટમેન્ટના સિક્યોરિટી ગાર્ડ અને સલમાનના ગાર્ડે બાઈકનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી હાથ લાગ્યા નહોતા.
પોલીસનું કહેવું છે કે શૂટરોએ પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાંથી એક ગોળી ઑપન વિન્ડો ગૅલેરી તરફ ફાયર કરાઈ હતી, જ્યારે બીજી બિલ્ડિંગની દીવાલને વાગી હતી. ત્રીજી ગોળી એક દુકાનના બોર્ડ સાથે ટકરાઈ હતી અને ચોથી ગોળી હવામાં ફાયર કરાઈ હતી. પાંચમી ગોળી પોલીસને ઘટનાસ્થળેથી જ મળી આવી હતી. ગોળીબાર પછી શૂટરો મેહબૂબ સ્ટુડિયોની દિશામાં ફરાર થઈ ગયા હતા.
પોલીસ તપાસ અનુસાર આરોપીઓએ બે દિવસથી રૅકી કરી હતી. ગોળીબાર પછી કયા માર્ગે ફરાર થવું તેનો અભ્યાસ કર્યો હશે. રવિવારે મળસકે ત્રણ વાગ્યે સલમાન ઘરે આવ્યો તેની જાણ થયા પછી આરોપીઓએ ગોળીબાર કર્યો હતો. એ સિવાય પોલીસની એક વૅન સુરક્ષા માટે ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર ઊભી રહી છે. આ વૅન રવિવારે એપાર્ટમેન્ટ બહાર ન હોવાનું પણ શૂટરોએ નોંધ્યું હશે.
દરમિયાન પોલીસની પચીસથી ત્રીસ ટીમ શૂટરોની શોધમાં લાગી છે. મુંબઈની લોજ, હોટેલ્સ, ટ્રેન અને બસોમાં પોલીસની ટીમ શોધ ચલાવી રહી છે.