Yashshree Shinde દાઉદ શેખને મળવા ગઈ હતી ને પછી…પોલીસે આપી માહિતી
નવી મુંબઈઃ નવી મુંબઈના ઉરણ ખાતે બનેલી યશશ્રી નામની યુવતીની ચકચારી ઘટનામાં પોલીસે પ્રાથમિક માહિતી આપી છે. એડિશનલ કમિશનર દીપક સાકોરેએ હાલપૂરતી મીડિયાને આપેલી માહિતી અનુસાર યશશ્રી અને દાઉદ એકબીજાના સંપર્કમાં હતા અને એકબીજાને સારી રીતે ઓળખતા હતા. 25 જુલાઈના રોજ યશશ્રી અને દાઉદે હત્યાના ઘટનાસ્થળ આપસાપ મળવાનું નક્કી કર્યું હતું અને તે પ્રમાણે તે દાઉદને મળવા ગઈ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે જે વિવાદ વગેરે થયો તેમાં દાઉદે યુવતીની હત્યા કર્યાનું હાલ પૂરતું જણાઈ રહ્યું છે. સાકોરેએ એમ પણ જણાવ્યું કે હજુ આરોપીની પૂછપરછ કરી નથી, આથી વિશેષ માહિતી મળી શકી નથી.
હત્યાનું કારણ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ બન્ને વચ્ચે મિત્રતા હતી, પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી યુવતી તેના સંપર્કમાં ન હતી. આનો કોઈ રોષ વગેરે હોય અને તેના લીધે તેણે આ કૃત્યુ કર્યું હોવાનું જણાઈ રહ્યું છે. દાઉદ ઉપરાંત પણ અમુક લોકો શંકાના દાયરામાં હતા, પરંતુ દાઉદે ગુનો કબૂલ્યો હોવાથી હવે તપાસ આ દિશામાં જ આગળ વધશે, તેમ તેમણે જણાવ્યું હતું.
સાકરોએ જણાવ્યું હતું કે ઘટના બાદ અમે જે પૂછપરછ કરી તેમાં દાઉદનું નામ સામે આવ્યું હતું. દાઉદ મૂળ કર્ણાટકનો હોવાનું ધ્યાનમાં આવતા પોલીસની ટૂકડી ત્યાં કેમ્પ નાખીને બેઠી હતી. તેના પરિવાર વગેરેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેના એક મિત્ર પાસેથી તેની માહિતી મળતા તેની અટક કરવામાં આવી હતી.
યુવતીના ચહેરા પર જે નિશાન વગેરે છે, તે દાઉદ દ્વારા મારવામાં આવ્યા નથી, પરંતુ આસપાસના પ્રાણીઓ દ્વારા ચહેરો છુંદી નાખવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ યુવતી સાથે કોઈ શારિરીક દુષ્કર્મ થયું હોવાનું પણ રિપોર્ટમાં આવ્યું નથી. જોકે પોસ્ટ મોર્ટ્મનો વિગતવાર રિપોર્ટ મળ્યા બાદ વિશેષ માહિતી મળી શકશે, તેમ સાકોરેએ જણાવ્યું હતું .