Yashshree Shinde case: CCTV ફૂટેજમાં યશશ્રી પાછળ કોણ દેખાયું
નવી મુંબઈઃ આખા દેશમાં જે કેસની ચર્ચા ચાલી રહી છે તે યશશ્રી શિંદેની હત્યાના પ્રકરણમાં એક નવી અપડેટ જાણવા મળી છે. આ કેસમાં શંકાસ્પદ આરોપી દાઉદ શેખને પોલીસે કર્ણાટકથી પકડી લીધો અને તેને નવી મુંબઈ લાવી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દાઉદ યશશ્રીને હેરાન કરતો હોવાનું નિવેદન મૃતકના પિતાએ આપ્યું હતું અને હવે પોલીસ આ કેસમાં દાઉદની પૂછપરછ કરશે ત્યારે આ હચમચાવી નાખનારા કેસની ઘણી વિગતો ખુલશે, પરંતુ તે દરમિયાન એક સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા છે, જે 25 જુલાઈની બપોરના છે.
જે દિવસે ઘરેથી નીકળેલી પાછી ફરી નહીં અને તેના ગુમ થયાની ફરિયાદ માતા-પિતાએ કરી, તે દિવસના જ આ ફૂટેજ છે. લગભગ 2 વાગ્યે ને 14 મિનિટે યશશ્રી હાથમાં કાળા રંગની છત્રી લઈ નીકળતી જોવા મળે છે અને તેની દસ મિનિટ બાદ એટલે કે લગભગ 2 વાગ્યે ને 22 મિનિટે દાઉદ શેખ તેની પાછળ જતો જોવા મળે છે. આ બન્ને ફૂટેજ અલગ અલગ કેમેરાના છે.
હાલમાં તો દાઉદને પોલીસ નવી મુંબઈ લાવી રહી છે ત્યારે 22 વર્ષીય યુવતીની ક્રુર હત્યા પ્રકરણે ઘણા ખુલાસા થશે.