‘એક્સ’ એટલે કે ટ્વિટરના નવા યુઝર્સને વાર્ષિક ફી ચૂકવવી પડશે
મુંબઇ: સોશિયલ મીડિયા સાઇટ એક્સ એટલે કે ટ્વિટરના નવા યુઝર્સ વાર્ષિક એક ડોલરની ફી ચૂકવવી પડશે. કંપનીના માલિક એલોન મસ્કએ ગયા મહિને સંકેત આપ્યો હતો કે એક્સના તમામ વપરાશકર્તાઓ પાસેથી ફી વસૂલવાનું શરૂ કરી શકે છે. કંપનીએ આવી સિસ્ટમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ મુજબ નવા યુઝર્સે પોસ્ટ, લાઈક, રિપ્લાય અને રીપોસ્ટ કરવા માટે વાર્ષિક એક ડોલરની ફી ચૂકવવી પડશે. કંપનીએ એક પોસ્ટમાં કહ્યું કે તે એક નવા પ્રોગ્રામનું નોટ અ બોટનું પરીક્ષણ કરી રહી છે, તેની શરૂઆત ન્યુઝીલેન્ડ અને ફિલિપાઈન્સથી કરવામાં આવી રહી છે. જો વપરાશકર્તા કંપનીની ૩.૯૯ ડોલર પ્રતિ માસ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સેવા માટે સાઇન અપ કરે તો આ ફી માફ કરવામાં આવશે.
ટ્વિટર ખરીદ્યા પછી, વિશ્ર્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે તેનું નામ બદલીને ‘એક્સ’ કરી દીધું છે. જો પરીક્ષણ ક્ષેત્રમાં નવા વપરાશકર્તાઓ પ્રીમિયમ અને વાર્ષિક સબ્સ્ક્રિપ્શન લેતા નથી, તો તેઓ ફક્ત પોસ્ટ્સ વાંચી શકે છે, વીડિયો જોઈ શકે છે અને એકાઉન્ટ્સને અનુસરી શકે છે. તેઓ પ્લેટફોર્મ પર વાતચીત કરી શકતા નથી. વર્તમાન વપરાશકર્તાઓ પર તેની કોઈ અસર થશે નહીં. કંપનીનું કહેવું છે કે આ પ્રોગ્રામનો હેતુ નફો કમાવવાનો નથી પરંતુ પ્લેટફોર્મ પર સ્પામ અને બોટ એક્ટિવિટી ઘટાડવાનો છે. મસ્કએ વપરાશકર્તાઓને એક્સની પ્રીમિયમ સેવા માટે સાઇન અપ કરવા કહ્યું છે. આ માટે વપરાશકર્તાઓને વાદળી ચેકમાર્ક આપવામાં આવશે, તેમની પોસ્ટને બૂસ્ટ કરવામાં આવશે અને તેઓ કંપનીના નવા એડ રેવન્યુ શેર પ્રોગ્રામનો લાભ લઈ શકશે.