Worli Hit And Run Case: મિહિર શાહનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા પોલીસ આરટીઓને પત્ર લખશે
મુંબઈ: વરલીમાં મહિલાનો ભોગ લેનાર હિટ એન્ડ રન કેસમાં ધરપકડ કરાયેલા મિહિર રાજેશ શાહનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા માટે પોલીસે શુક્રવારે આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ)ને પત્ર લખવાનું નક્કી કર્યું છે.
મિહિરે ચાર વર્ષ પૂર્વે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું હતું અને અગાઉ પણ તેણે અકસ્માત કર્યો હતો. જોકે એ સમયે તે બાઇક ચલાવતો હતો અને અકસ્માતમાં પોતે પણ ઘવાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
લક્ઝરી બીએમડબ્લ્યુ સામે રૂ. 5,500ના ત્રણ ઇ-ચલાન બાકી છે, જેમાં બે તેજ ગતિથી વાહન ચલાવવા અને એક સીટબેલ્ટ વિના વાહન ચલાવવા માટે છે. તે 2023ના છે. કાર પાલઘરના રહેવાસી રાજેશ શાહના નામે રજિસ્ટર્ડ કરાઇ છે.
આ પણ વાંચો : Mumbai BMW Hit and run case: CCTV ફૂટેજ સામે આવ્યા, અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ
દરમિયાન મિહિર વિરુદ્ધ કેસ મજબૂત બનાવવા શુક્રવારે પોલીસ ટીમો અનેક સ્થળે પુરાવા એકઠા કરવા ગઇ હતી. સ્ટેટ એક્સાઇઝ વિભાગની ટીમ મલાડના સાંઇ પ્રસાદ બારમાં પણ ગઇ હતી, જ્યાંથી મિહિરે વહેલી સવારે બિયરના ચાર ટીન ખરીદ્યાં હતાં અને બાદમાં ડ્રાઇવર સાથે તે મરીન ડ્રાઇવ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રવિવારે વહેલી સવારે વરલીમાં મિહિરે બીએમડબ્લ્યુ કાર હંકારીને સ્કૂટરને ટક્કર મારી હતી, જેમાં સ્કૂટર પર સવાર કાવેરી નાખવા અને તેનો પતિ પ્રદીપ કારના બોનેટ પર પટકાયાં હતાં. પ્રદીપ બાદમાં નીચે પડી ગયો હતો, જ્યારે કાવેરીની સાડીનો પાલવ ટાયરમાં ફસાયો હતો અને તે બોનેટ-બંપર વચ્ચે અટકી ગઇ હતી. મિહિરે ત્યાંથી કાર હંકારી મૂકી હતી અને દોઢ કિ.મી. દૂર પહોંચ્યા બાદ તેણે કાર થોભાવી હતી. મિહિર અને ડ્રાઇવર કારમાંથી ઊતર્યા હતા અને તેમણે ફસાયેલી કાવેરીને કાઢીને રસ્તા પર મૂકી હતી. બાદમાં ડ્રાઇવરે સ્ટિયરિંગ સંભાળ્યું હતું અને તેણે રિવર્સ લઇને કાર કાવેરીના પગ પર ચડાવી દીધી હતી.