કેમિકલ ફેક્ટરીમાં પાણીની ટાંકીમાં ડૂબવાથી કામગારનું મૃત્યુ

પાલઘર: પાલઘર જિલ્લામાં કેમિકલ ફેક્ટરીમાં સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)ની પાણીની ટાંકીમાં પડીને ડૂબવાથી 22 વર્ષના કામગારનું મૃત્યુ થયું હતું.
બોઇસર ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં શનિવારે બપોરે આ ઘટના બની હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
મૃતકની ઓળખ અંકિત યાદવ તરીકે થઇ હતી, જે કેમિકલ ફેક્ટરીમાં સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કામ કરી રહ્યો હતો. એ સમયે અચાનક તે પાણીની ટાંકીમાં પડ્યો હતો અને ડૂબી ગયો હતો, એમ પાલઘર પોલીસ ક્ધટ્રોલ રૂમના અધિકારીએ જણાવ્યું હતું.
એ સમયે ત્યાં હાજર અન્ય કામગારોએ બનાવની જાણ અગ્નિશમન દળને કરી હતી, જેને પગલે જવાનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને યાદવના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો.
(પીટીઆઇ)