કર્ણાક રેલવે બ્રિજના ૫૫૦ મેટ્રિક ટન વજનના ગર્ડરને ખસેડવાનું કામ પૂરું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના ૧૫૪ વર્ષ જૂના કર્ણાક બંદર પુલના ઉત્તર બાજુએ ૫૫૦ મેટ્રિક ટનના વિશાળ લોખંડના ગર્ડરને શુક્રવારે વહેલી સવારના ખસેડવામાં સફળતા મળી હતી. ગર્ડરને ખસેડવાનું કામ ૨૬ જાન્યુઆરીથી શરૂ થયું હતું, પરંતુ ૧૨ મીટરનું કામ બાકી રહ્યું હતું અને ટેક્નિકલ સમસ્યા સર્જાતા કામ અટવાઈ ગયું હતું. જોકે બાદમાં મધ્ય રેલવે સાથે સંકલન કરીને આ અઠવાડિયે નાઈટ બ્લોક લઈને સુરક્ષિત રીતે કામ ફરી શરૂ કરીને ગર્ડરને ખસેડવાનું કામ પૂરું કરવામાં પાલિકાને સફળતા મળી છે.
મધ્ય રેલવે દ્વારા ગુરુવાર મધરાત બાદ રાતના ૧.૩૦ વાગ્યાથી શુક્રવાર વહેલી સવારના ચાર વાગ્યા સુધી અઢી કલાક માટે વીજ પુરવઠો અને રેલવ્યવહાર ખંડિત કરીને સ્પેશિયલ બ્લોક આપ્યો હતો. એ દરમ્યાન ગર્ડર બેસાડવાનું પડકારજનક કામ પૂરું કરવામાં આવ્યું હતું. ટેક્નિકલ નિષ્ણાતોની દેખરેખ હેઠળ આ કામ પાર પાડવામાં આવ્યું હતું. રેલવે દ્વારા વધારાના બ્લોક મળ્યા બાદ હવે ગર્ડર બેસાડવાનું બાકીનું કામ પૂરું કરવામાં આવશે.
૫૫૦ મેટ્રિક ટનના સ્ટીલના ગર્ડરને શરૂઆતમાં ૧૪ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ટ્રાયલ ઓપરેશન દરમિયાન ૯.૩૦ મીટર ખસેડવામાં આવ્યો હતો. ૨૫થી ૨૬ જાન્યુઆરી વચ્ચે રાતના ૫૮ મીટરનું ફાઈનલ શિફ્ટિંગ કામ બાકી પૂરું કરવામાં આવ્યું હતું. ટેક્નિકલ ખામીને કારણે છેલ્લા ૧૨ મીટરનું કામ અટવાઈ પડયું હતું. જોકે શુક્રવારે વહેલી સવારના આ કામ પૂરું કરવામાં સફળતા મળી હતી.
ગર્ડર બેસાડયા બાદ હવે ફાઉન્ડેશનના પાઈલિંગનું કામ, કૉંક્રીટનું કામ અને લોડ ટેસ્ટિંગનું કામ હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ જૂન ૨૦૨૫ સુધી પૂરું કરવાનું લક્ષ્યાંક છે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મસ્જિદ બંદરને જોડતો કર્ણાક બ્રિજ ૨૦૨૨ની સાલમાં તોડી પાડવામાં આવ્યો તો. જોકે હૅકૉંક બ્રિજ પર ચાલી રહેલા કામ અને અતિક્રમણને કારણે પુલનું કામ અટવાઈ પડ્યું હતું. કર્ણાક બ્રિજનો અંદાજિત ખર્ચ ૪૯ કરોડ રૂપિયા છે. નવો પુલ ૭૦ મીટર લાંબો અને ૨૬.૫ મીટર પહોળો હશે.