‘મેટ્રા-૫’ રૂટના પ્રથમ તબક્કામાં સ્ટેશનોનું કામ પૂર્ણ
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ આખરે ‘થાણે – ભિવંડી કલ્યાણ મેટ્રો-૫’ રૂટના પ્રથમ તબક્કાના કામમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પૂર્ણ કર્યું છે. થાણે – ભિવંડીના પ્રથમ તબક્કામાં તમામ સ્ટેશનોના સ્લેબનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેથી હવે સ્ટેશન અને ટ્રેક બિછાવવાની અંતિમ કામગીરી શરૂ કરવામાં આવશે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ટ્રાફિકની ભીડ દૂર કરવા એમએમઆરડીએ દ્વારા થાણેથી ૨૪.૯૦ કિ.મી થાણે – ભિવંડી – કલ્યાણ મેટ્રો-૫ રૂટનું કામ શરૂ કરાયું છે. આ માર્ગનું કામ બે તબક્કામાં કરવામાં આવશે. આનો પ્રથમ તબક્કો થાણે- ભિવંડી અને બીજો તબક્કો ભિવંડી – કલ્યાણ છે. હાલ પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. બીજા તબક્કાનું કામ શરૂ કરવાનું બાકી છે. દરમિયાન, અત્યાર સુધીમાં પ્રથમ તબક્કાનું કુલ ૮૧.૫૫ ટકા કામ થઇ ગયું છે. તેમાંં છ મેટ્રો સ્ટેશનોનું ૭૬.૯૩ ટકા બાંધકામ પૂર્ણ થયું છે. વાયડક્ટના જ સમયે ૮૨.૬૩ ટકા કામ પૂર્ણ થયું છે. છ સ્ટેશનોના સ્લેબનું કામ પૂર્ણ કર્યા બાદ એમએમઆરડીએએ તેના કામમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે.
પ્રથમ તબક્કામાં બાલકુમ નાકા, કશેલી, કાલ્હેર, પૂર્ણા, અંજુરફાટા અને ધમણકર નાકા નામના છ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ છ સ્ટેશનોના સ્લેબનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે સ્ટેશનોના ફ્લોરિંગ, ફોલ સિલિંગ, ફેસડેસ જેવા કામો શરૂ થવા જઈ રહ્યા છે. તેમજ ટ્રેક અને વિવિધ સિસ્ટમનું કામ પણ શરૂ થશે.