મધ્ય રેલવેમાં 5-6th લાઈનનું કામ બે તબક્કામાં કરાશે, પણ પ્રવાસીઓને ક્યારે મળશે રાહત?
મુંબઈ: મધ્ય રેલવે દ્વારા લોકલ ટ્રેનની સેવામાં વધારો કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી કુર્લા દરમિયાન પાંચમી અને છઠ્ઠી રેલવે લાઇન નાખવાના પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેનું કામકાજ બે તબક્કામાં પૂરું કરવામાં આવશે. જોકે, નવી લાઈન સીએસએમટી અને કુર્લા વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઈનનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, તેનાથી સમગ્ર કોરિડોરમાં ટ્રેનની સર્વિસ વધારી શકશે. એકસાથે કામકાજ કરવાનું મુશ્કેલ હોવાથી બંને લાઈનનું કામકાજ તબક્કાવાર પૂરું કરવામાં આવશે. આ બે નવી રેલવે લાઇન નાખવાથી આ કોરિડોરમાં દોડાવાતી મેલ અને એક્સ્પ્રેસ ટ્રેનોને તેના પર વળવવામાં આવશે, એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.
કુર્લાથી સીએસએમટી સ્ટેશન દરમ્યાન પાંચમી અને છઠ્ઠી લાઇનને નાખવામાં આવતા વધુ લોકલ ટ્રેન માર્ગમાં દોડાવવામાં આવશે, જેને લીધે રશ અવરમાં પ્રવાસીઓની ભીડમાં ઘટાડો આવશે. આ કામને બે તબક્કામાં હાથ ધરવામાં આવશે, જેથી મેલ/એક્સ્પ્રેસ ટ્રેન નવી લાઇન પર દોડશે જેને લીધે લોકલ ટ્રેન સેવાને પણ ગતિ મળશે અને ટ્રેન મોડી પાડવાની સમસ્યા પણ દૂર થશે, એવું તેમણે કહ્યું હતું.
રેલવેની માહિતી મુજબ લગભગ રૂ. 920 કરોડના ખર્ચે પાંચમી અને છઠ્ઠી લાઇનને નાખવાનું કામ કરવામાં આવવાનું છે. આ કામકાજ માટે જમીન સંપાદનનું કામ શરૂ થઈ ગયું છે, જેના માટે સાયન બ્રિજને બારમા અને દસમા ધોરણની બોર્ડ પરીક્ષા બાદ તોડી પાડવામાં આવશે. આ સાથે કુર્લા હાર્બર લાઇનમાં એક એલિવેટેડ ટ્રેકના નિર્માણ સાથે પશ્ચિમ ભાગમાં નવા સ્ટેશનનું પણ બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે.
મધ્ય રેલવેમાં પાંચમી-છઠ્ઠી લાઈન નાખવાનો મુખ્ય ઉદ્દેશ લોકલ ટ્રેન અને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન માટે અલગ અલગ કોરિડોર તૈયાર કરવાનો છે. હાલમાં કલ્યાણ અને એલટીટીની વચ્ચે પાંચમી-છઠ્ઠી લાઈન ઉપલબ્ધ છે, જ્યારે તેને કુર્લા-સીએસએમટી વચ્ચે લંબાવવાની યોજના છે, જ્યારે તેનું કામ પણ બે તબક્કામાં પૂરું કરાશે. આ બંને લાઈન તૈયાર થયા પછી વધુ લોકલ ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ થવાથી પ્રવાસીઓને રાહત થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.