પાલિકાની શાળામાં શિક્ષિકાના સ્વાંગમાં મહિલાએ વિદ્યાર્થિનીની સોનાની રિંગ તફડાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલિકા સંચાલિત શાળામાં શિક્ષિકાના સ્વાંગમાં પ્રવેશેલી મહિલા વિદ્યાર્થિનીની કાનમાંની સોનાની રિંગ તફડાવી ફરાર થઈ ગઈ હોવાની ઘટના જોગેશ્ર્વરીમાં બની હતી.
ગોરેગામ પશ્ર્ચિમમાં રહેતી અને જોગેશ્ર્વરીની પાલિકા સંચાલિત શાળામાં સિનિયર કેજીમાં ભણતી પાંચ વર્ષની બાળકીના વડીલોએ નોંધાવેલી ફરિયાદને આધારે ઓશિવરા પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના સોમવારની બપોરે બની હતી. સિક્યોરિટી ગાર્ડને નવી શિક્ષિકા હોવાનું જણાવીને મહિલા શાળામાં પ્રવેશી હતી. પછી આ જ વાત તેણે સિનિયર કેજીની વિદ્યાર્થિનીને કરી હતી. નવી હોવાથી બાથરૂમ ક્યાં છે તે ખબર ન હોવાનું કહીને વિદ્યાર્થિનીને મહિલા બાથરૂમમાં લઈ ગઈ હતી.
શાળામાં સોનાના દાગીના પહેરવા પર મનાઈ હોવાનું કહીને મહિલાએ વિદ્યાર્થિનીએ બન્ને કાનમાં પહેરેલી સોનાની રિંગ કઢાવીને એક કાગળમાં મૂકવા કહ્યું હતું. પછી કાગળ ઘરે જઈને ખોલી રિંગ માતાને આપવાનું કહ્યું હતું. મહિલાના ગયા પછી વિદ્યાર્થિનીએ તપાસ કરતાં કાગળ ખાલી હોવાનું જણાયું હતું. ઘરે પહોંચી વિદ્યાર્થિનીએ બનેલી ઘટનાની જાણ માતાને કર્યા પછી પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.